નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાં સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ મામલે મોટો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ગુરુવારે ચૂંટણી બોન્ડને ગેરકાયદે ગણાવી તેના પર પ્રતિબંધ મૂક્યો છે.
કોર્ટે કહ્યું કે, બોન્ડની ગુપ્તતા જાળવી રાખવી એ ગેરબંધારણીય છે. આ સ્કીમ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. 6 માર્ચ સુધીમાં પાર્ટીઓ હિસાબ આપે. ચીફ જસ્ટિસે કહ્યું, 'પોલિટિકલ પ્રક્રિયામાં પક્ષો મહત્ત્વપૂર્ણ એકમ છે. રાજકીય ભંડોળની માહિતી એવી પ્રક્રિયા છે, જેના દ્વારા મતદારને પોતાનો મત આપવા માટે યોગ્ય પસંદગી મળે છે. મતદારોને ચૂંટણી ભંડોળ વિશે જાણવાનો અધિકાર છે.
SBI બોન્ડ ઈશ્યૂ કરવાનું બંધ કરેઃ સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે બેન્કોને ઇલેક્ટોરલ બોન્ડ ઇશ્યૂ કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપતાં કહ્યું કે, SBI 12 એપ્રિલ 2019થી અત્યાર સુધી ખરીદાયેલ ચૂંટણી બોન્ડની ચૂંટણીપંચને 3 અઠવાડિયામાં માહિતી આપે. જે માહિતી ચૂંટણીપંચ વેબસાઇટ પર પણ જાહેર કરે.
શું છે ઈલેક્ટોરલ બોન્ડ?
વર્ષ 2018માં ઇલેક્ટોરલ બોન્ડની શરૂઆત થઈ હતી. આ બોન્ડ લાગુ કરવા પાછળનો હેતુ રાજનીતિક ફન્ડિંગમાં પારદર્શિતા વધારવાનો હતો. જેમાં વ્યક્તિ અથવા સંસ્થા બોન્ડ રાજનીતિક પક્ષોને ફંડના રૂપમાં આપે છે અને પક્ષ આ બોન્ડને બેન્કમાં જમા કરીને રકમ મેળવી લે છે. SBIની દેશભરની 29 શાખાને ઇલેક્ટોરલ બોન્ડ જાહેર કરવાની અને રોકડ કરવા માટે અધિકૃત કરવામાં આવી છે.
કેમ જાહેર થયા હતા બોન્ડ?
2 જાન્યુઆરી 2018એ મોદી સરકારે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમને નોટિફાઇડ કરી હતી. ઇલેક્ટોરલ બોન્ડ ફાઇનાન્સ એક્ટ 2017 હેઠળ લાવવામાં આવ્યાં હતાં. આ બોન્ડ વર્ષમાં ચાર વખત જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવતાં હતાં, જેના માટે ગ્રાહક બેન્કની શાખામાં જઈને અથવા તેમની વેબસાઇટ પર ઓનલાઇન જઈને ખરીદી શકતા હતા. કોઈપણ ડોનર પોતાની ઓળખ પ્રસ્થાપિત કર્યા વિના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રૂ. 1 કરોડ સુધીના બોન્ડ ખરીદી પોતાની પસંદગીના પક્ષને ફન્ડના રૂપમાં આપી શકતા હતા. આ વ્યવસ્થા હેઠળ ડોનર ઓળખ છુપાવવાની સાથે ટેક્સમાં પણ છૂટ મેળવી શકે છે. સામાન્ય ચૂંટણીમાં ઓછામાં ઓછા 1 ટકા વોટ મેળવનારા પક્ષને જ આ બોન્ડથી દ્વારા ફન્ડ મળી શકતું હતું.

