તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં એઇલ્સબરીના કાઉન્સિલર નિધિ મહેતાની વરણી ડેપ્યુટી મેયર તરીકે થયાના સમાચાર એઇલ્સબરીના ભારતીયો સહિત સૌ બ્રિટનવાસી ભારતીયો માટે ગૌરવ લેવા જેવા છે. સૌ ગુજરાતીઓ અને ભારતીયો તરફથી અભિનંદન નિધિબહેન.
નિધિબહેન લીબરલ ડેમોક્રેટીક પક્ષના ઉમેદવાર છે. લગ્ન બાદ બે દાયકાથી યુ.કે. આવી સ્થાયી થયા છે. જેમને બાર વર્ષનો દિકરો છે. નિધિબહેન વડોદરાના વતની છે. તેઓ હંમેશા સમાજનું ઋણ અદા કરવા સમાજસેવામાં પ્રવૃત્ત બનવા ઉત્સુક રહ્યાં છે. તેમની નાડ પારખી એઇલ્સબરીના રાજકારણમાં સક્રિય બનવા રંજુલાબહેન ટકોદ્રા એમના મેન્ટોર બની એમને રાજકારણમાં પ્રવેશ માટે પ્રેર્યાં. જેઓ પણ એઇલ્સબરીના પ્રથમ ભારતીય મેયર તરીકે ચૂંટાઇ સેવા આપી ચૂક્યાં છે.
નિધિબહેન ૨૦૨૧માં કાઉન્સિલર તરીકે ચૂંટાયાં અને ૯ મે’૨૪ના રોજ ટાઉન હોલમાં ડેપ્યુટી મેયરનો હોદ્દો ગ્રહણ કરી ભૂમિકા ભજવી રહ્યાં છે. મેયર તરીકે કાઉન્સિલર એલન શેરવેલની નિમણૂંક કરાઇ છે.
તેઓશ્રી એઇલ્સબરી હિન્દુ ટેમ્પલ ટ્રસ્ટના સ્થાપક સભ્યોમાંના એક છે. એઇલ્સબરીમાં હિન્દુઓની વસ્તી વધતાં ગામમાં મંદિરની જરૂરિયાત જણાતાં એ માટેનો કોમ્યુનિટી પ્રોજેક્ટ હાથ ધર્યો છે. લોકલ આઉટ સ્ટેન્ડીંગ પ્રાઇમરી સ્કૂલના ગવર્નર તરીકે પણ સેવા આપી રહ્યાં છે. એમ્નસ ટ્રસ્ટ જે વિધવાઓ તેમજ સિંગલ મહિલાઓ જેને સપોર્ટની જરૂરત હોય તેઓને ગ્રાન્ટ અપાવવાનું કામ કરે છે એ કમિટીમાં પણ બેસે છે. ક્વીન્સપાર્ક આર્ટ્સ સેન્ટરના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ તરીકે ય સેવા આપી રહ્યાં છે. જે એઇલ્સબરી અને બકિંગહામ શાયરનું ક્રિએટીવ તેમજ કલ્ચરલ હબ છે.
આમ યુવા વયે આ દેશમાં આવી ગૃહિણી, માતા અને પત્નીની ફરજ સાથે સમાજસેવા કરી જીવનના પલ્લાનું સમતોલપણું જાળવી શક્યા છે. સ્થાનિક ભારતીય સમાજમાં લોકપ્રિય છે એમના કાર્યથી. એક મહિલા તરીકે સમગ્ર મહિલા વર્ગ માટે તેઓ એક પ્રેરણાદાયી છે.

