અમદાવાદઃ સોમવારે મોડી રાત્રે ફરી એકવાર 30 વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમાં ઇન્ડિગો, વિસ્તારા અને એર ઇન્ડિયા (AI)ની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. મંગળવાર સુધીના છેલ્લા 8 દિવસમાં 120થી વધુ વિમાનોને બોમ્બ હુમલાની ધમકી મળી છે.
ઇન્ડિગોના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું હતું કે, સોમવારે તેમની 4 ફ્લાઇટને સુરક્ષા ચેતવણી મળી હતી. તેમાં મેંગલુરુથી મુંબઈ આવતી 6E164 ફ્લાઇટ, અમદાવાદથી જેદ્દાહ જતી 6E75 ફ્લાઇટ, હૈદરાબાદથી જેદ્દાહ જતી 6E67 ફ્લાઇટ અને લખનઉથી પુણે આવતી 6E118 ફ્લાઇટનો સમાવેશ થાય છે.
વિસ્તારા અને એર ઇન્ડિયાના પ્રવક્તાએ મંગળવારે પુષ્ટિ કરી હતી કે, સોમવારે સોશિયલ મીડિયા પર કેટલીક ફ્લાઇટ્સને ધમકી મળી હતી. અમે સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી અને તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કર્યું હતું.
નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ સોમવારે કહ્યું હતું કે, ધમકી નકલી હોવા છતાં અમે તેને હળવાશથી લઈ શકીએ નહીં. અમે તેની સામે કડક કાયદો લાવીશું.

