કંડલાઃ દીનદયાલ પોર્ટ કંડલા પાસે ઈમામી એગ્રોટેક કંપનીમાં બુધવારે મોટી દુર્ઘટના સર્જાઈ. કેમિકલના ખાલી મોટા ટાંકાને સાફ કરવા નીચે ઉતરેલા ઓપરેટર સ્લજના ગેસથી ગુંગળાવા લાગતાં તેને બચાવવા ઓપરેટર અને ત્યારબાદ 3 હેલ્પર નીચે ઉતરતાં પાંચેયનાં મોત નીપજ્યાં. એકસાથે 5 કર્મચારીનાં મોતથી લોકોમાં ભારે રોષની લાગણી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈમામી એગ્રોટેક કંપનીના ટાંકામાં ખાદ્યતેલનો એકત્ર થયેલો નકામો પદાર્થ એટલે કે સ્લજ કે કદડો જોવા માટે તેનો સુપરવાઇઝર ટાંકા પર ચડ્યો હતો. તે સમયે ટેન્કમાં ઉત્પન્ન થયેલી ઝેરી ગેસની તેના પર અસર થતાં તે ટાંકામાં પડ્યો હતો. જેને બચાવવા ટેન્ક ઓપરેટર ધસી આવ્યો, જેણે પણ અંદર ઝંપલાવ્યું હતું, આ દૃશ્ય જોતાં બચાવવા દોડી આવેલા અન્ય 3 હેલ્પર પણ એક બાદ એક પડ્યા હતા, પરંતુ અંતે તમામનાં ઝેરી ગેસના કારણે મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં સિદ્ધાંત તિવારી, અજમલ ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકોરનો સમાવેશ થાય છે.

