સુરેન્દ્રનગર: ઝિંઝુવાડા ચોવીસી ઝાલા રાજપૂત સમાજ દ્વારા ઝિંઝુવાડા રણમાં રાજ્યના પાણીદાર અશ્વોની દોડસ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજેશ્વરી મંદિરે તલવાર, ભાલા, બરછી, કટાર, ઢાલ અને બંદૂક સહિતના શસ્ત્રપૂજન બાદ ઝાલા રાજપૂત સમાજના આગેવાનો દરબારી પોષાકમાં હાજર રહ્યા હતા.
ઝિંઝુવાડા રણમાં યોજાયેલી અશ્વદોડમાં રાજ્યભરથી 20થી વધારે અસવારોએ દરબારી પોષાકમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં વિજેતાઓનું સાફો અને તલવાર આપી બહુમાન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે યુવરાજ ગિરિરાજસિંહ વાઘેલા ઓફ દિયોદર સ્ટેટ ખાસ હાજર રહ્યા હતા.
ઝિંઝુવાડા ચોવીસીના સર્વે ગિરાસદારો તલવાર, ભાલો, બરછી, કટાર, ઢાલ અને બંદૂક સહિતના શસ્ત્રો સાથે દરબારી પોષાક પહેરીને હાજર રહ્યા હતા. ઝિંઝુવાડા ચોવીસી તથા નજીકના પરગણાના ભાઈઓ પોત-પોતાના ઘોડા તથા ઘોડીઓ લઈને પરંપરાગત પોષાક સાથે હાજર રહ્યા હતા.

