મોદી-સાન્ચેઝ વડોદરાના મહેમાન બનશેઃ 1500થી વધુ ઉદ્યોગપતિને આમંત્રણ

Wednesday 23rd October 2024 05:14 EDT
 
 

વડોદરા: દેશના પ્રથમ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થનારા ડિફેન્સ કાર્ગો પ્લેન સી-295ની એસેમ્બ્લિંગ લાઇનનું ઉદ્ઘાટન 28 ઓક્ટોબરે વડોદરા એરપોર્ટ પરિસરમાં થશે. સ્પેનની કંપની એરબસ અને દેશની ટાટા એડવાન્સ સિસ્ટમના સંયુક્ત ઉપક્રમે આ પ્લેન તૈયાર થશે, ત્યારે વડોદરામાં સ્થપાયેલા ટાટા કંપનીના એસેમ્બ્લિંગ યુનિટ ખાતે તમામ તૈયારી પૂર્ણ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝ દ્વારા આ લોકાર્પણ કરાશે, જે માટે પ્લેનના બોડી પાર્ટ સોમવારે વડોદરા આવી પહોંચ્યા છે. 29 ઓક્ટોબરે સવારે સમગ્ર ગુજરાતના 350 એરોનોટિકલ અને મિકેનિકલ એન્જિનિયર પ્લેન એસેમ્બ્લિંગ શરૂ કરશે.
મોદી-સાન્ચેઝનો રોડ-શો થશે
પીએમ મોદી અને સ્પેનના પીએમ સાન્ચેઝના કાર્યક્રમ તથા રોડ-શો માટે પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. બંને નેતાઓ અઢી કિલોમીટરનો રોડ-શો યોજીને આજવા રોડથી કંપનીમાં ઉદ્ઘાટન માટે જશે. રૂટ પર અનેક સ્થળે કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન પણ કરાશે વડાપ્રધાનને બાળકો પ્રિય હોવાથી બંને પ્રધાનમંત્રીનું બાળકો દ્વારા સ્વાગત કરવાનું આયોજન કરાયું છે. વડાપ્રધાનના અઢી કિલોમીટરના રોડ-શોના રૂટ પર 10 સ્થળે કેસરી ગેટ સાથેનાં તોરણ ઊભાં કરાશે. તદ્ઉપરાંત સમગ્ર રૂટને રોશનીથી શણગારાશે. દિવાળી સમયે બંને દેશના વડાપ્રધાનને દિવાળીની શુભકામના આપતાં હોર્ડિંગ્સ લગાવવાનું પણ આયોજન કરાયું છે.
1500 ઉદ્યોગપતિની હાજરી
કાર્યક્રમમાં દેશવિદેશના 1500 જેટલા ઉદ્યોગપતિઓ હાજર રહેશે. સાથે જ વડોદરાના 40 ઔદ્યોગિક સંગઠનના તેમજ ઉદ્યોગપતિઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરાયુંું છે.
ઝૂંપડાં ઢાંકવા પતરાંની હંગામી દીવાલ
ન્યૂ વીઆઇપી રોડથી ટાટા એડવાન્સ સિસ્ટમ એરક્રાફ્ટના એસેમ્બલી પ્લાન્ટ જતા માર્ગ પર જમણી બાજુ કાંસ છે, જેમાં ડ્રેનેજનું પાણી વહે છે અને ભારે દુર્ગંધ આવે છે. આ કાંસ અને તેની આસપાસ ઝૂંપડાં ન દેખાય તે માટે તંત્ર દ્વારા અડધો કિલોમીટર સુધી પતરાંની દીવાલ ઊભી કરાઈ છે.


comments powered by Disqus