વાવ બેઠક પર કોંગ્રેસ-આમ આદમી પાર્ટીના ગઠબંધનનું સુરસુરિયું

Wednesday 23rd October 2024 05:15 EDT
 
 

ધાનેરાઃ ઇલેક્શન કમિશને બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. વાવની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર ઊભો રાખે તેવી જાહેરાત આપના પ્રદેશ કાર્યકારી પ્રમુખ ડો. રમેશ પટેલે કરી છે. આમ આદમી પાર્ટીની ચૂંટણી લડવાની જાહેરાતની સાથે જ વાવમાં ત્રિપાંખિયો જંગ જામશે. એટલે કે ગુજરાતમાં કોંગ્રેસ-આપ ગઠબંધનનું સુરસુરિયું પણ થઈ ગયું છે.
આપ વાવમાં ઉમેદવાર ઊભો રાખશે
આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ડો. રમેશ પટેલે પોતે પણ વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં આપનો ઉમેદવાર હોઈ શકે તેવા સંકેત આપ્યા છે.
2022માં આપે ઉમેદવાર ઉતાર્યો હતો
આમ આદમી પાર્ટીએ વાવ વિધાનસભાની 2022ની ચૂંટણીમાં પણ ભીમ પટેલને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા હતા. વાવમાં સૌથી વધુ ઠાકોર ત્યારબાદ ચૌધરી સમાજના મતદારો છે. ત્યારે ડોક્ટર રમેશ પટેલે ઉમેદવાર અંગે જણાવ્યું હતું કે, આપ સ્વચ્છતા, સ્વસ્થતા અને સેવાની ભાવના જેવા મુદ્દા સાથે ચૂંટણી લડશે.
કોંગ્રેસ ઉમેદવારના આધારે ભાજપ ચહેરો પસંદ કરશે
ગેનીબહેન લોકસભા બેઠક જીતીને ભાજપનો વિજયરથ રોકવામાં સફળ થયાં હતાં. જે બાદ ભાજપ કોંગ્રેસ કયો ઉમેદવાર અહીંથી ઉતારે છે તેના પર ભાજપ હાઇકમાન્ડની નજર છે. આ બેઠક જીતવા કોંગ્રેસ ઉપરાંત ભાજપ અને આમ આદમી પાર્ટી પણ એડીચોટીનું જોર અત્યારથી લગાવી રહી છે. સમગ્ર મદાર કોંગ્રેસ કેવો ઉમેદવાર પસંદ કરે છે અને એમાં આમ આદમી પાર્ટીનું વલણ કેવું રહે છે તેના પર રહેશે.
ભાજપના અગાઉના પ્રભારીએ કરેલી ગડબડના કારણે દાવેદારોનો રાફડો ફાટ્યો છે, તો કોંગ્રેસમાં પણ હવે રાષ્ટ્રીયસ્તરે સારાં પરિણામોને લીધે દાવેદારો વધ્યા છે. અલબત્ત ગુજરાત કોંગ્રેસના એકમાત્ર લોકસભા સાંસદ ગેનીબહેન ઠાકોરને વિશ્વાસમાં લઈ કોંગ્રેસ ઉમેદવારની પસંદગી કરશે તો ભાજપને હંફાવી શકાશે એમ રાજકીય નિરીક્ષકો માને છે. બનાસકાંઠા લોકસભામાં કોંગ્રેસની જીતમાં ભાજપની આંતરિક હુંશાતુંશી વધારે લાભ કરાવી ગઈ છે એ સ્પષ્ટ છે, ત્યારે હવે ભાજપ નેતૃત્વના સખત વલણને લીધે અસંતુષ્ટો માટે હવે પોતાની છાપ સુધારવાની આ તક છે.


comments powered by Disqus