અમેરિકા, કેનેડા અને યુરોપ જવું થઈ શકે મોંઘું

Wednesday 24th April 2024 07:09 EDT
 
 

નવી દિલ્હીઃ ઇરાન અને ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે એક મોટી અપડેટ સામે આવી છે. આગામી દિવસોમાં અમેરિકા, કેનેડા અને યુરોપનો પ્રવાસ મોંઘો થઈ શકે છે. પશ્ચિમ એશિયામાં તણાવને કારણે એરલાઇન્સ કંપનીઓ ઇરાનની એરસ્પેસ ટાળી રહી છે. આ કારણે ફ્લાઇટ્સ સામાન્ય મુસાફરીના સમય કરતાં 45 મિનિટ વધુ સમય લઈ રહી છે.
એર ઇન્ડિયા, વિસ્તારા અને ઇન્ડિગો સહિત અનેક એરલાઇન્સ કંપનીઓનાં વિમાન ઇરાનની એરસ્પેસ ટાળી રહ્યા છે. તેઓ મધ્ય એશિયા અને અરેબિયન દ્વીપકલ્પ પર ઊડી રહ્યાં છે. આ કારણે તેમને વધુ ઇંધણની જરૂર પડી રહી છે. ઈંધણની કિંમતમાં વધારાને કારણે આ કંપનીઓ પર દબાણ વધ્યું છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આગામી દિવસોમાં અમેરિકા અને યુરોપ જતા મુસાફરોને વધુ ભાડું ચૂકવવું પડી શકે છે.
વાસ્તવમાં ઇરાને ઈઝરાયલ પર સેંકડો મિસાઇલો અને ડ્રોન છોડ્યાં હતાં. આશંકા છે કે ઇઝરાયલ બદલો લઈ શકે છે. આ જ કારણ છે કે એવિએશન કંપનીઓ ઇરાનની એરસ્પેસનો ઉપયોગ કરવાનું ટાળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હી અને મુંબઈથી લંડન, પેરિસ, ફ્રેન્કફર્ટ અને ન્યૂયોર્ક જેવાં શહેરોની ફ્લાઇટમાં 15 થી 45 મિનિટનો વધુ સમય લાગી રહ્યો છે.
વિસ્તારા એરલાઇનનું કહેવું છે કે, તેનાં વિમાનો ઇમર્જન્સી રૂટનો ઉપયોગ કરી રહ્યાં છેે. અધિકારીઓનું કહેવું છે કે, ભારતથી અમેરિકા, કેનેડા, યુરોપ અને મધ્ય પૂર્વના દેશોનાં હવાઈ ભાડામાં વધારો થઈ શકે છે.
કોમર્શિયલ એરલાઇન્સ ભાડાને સરભર કરવા ગતિશીલ ભાવનો ઉપયોગ કરે છે. જો રૂટ લાંબો હશે તો એરલાઇન કંપનીઓ માટે તે વધુ મોંઘો પડશે. ઇરાને ઈઝરાયલ પર હુમલા પહેલાં હવાઈ મિશનને નોટિસ પાઠવી એરક્રાફ્ટને ઈરાની એરબેઝથી દૂર રહેવાની સલાહ આપી હતી.


comments powered by Disqus