નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સુગર લેવલ ડામાડોળ થઈ રહ્યું છે અને તેમનું સ્વાસ્થ્ય જોખમમાં છે તેવા આરોપ આપના નેતાઓ લગાવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ તરફથી એક શખ્સે તેમના સ્વાસ્થ્યને લઈને એક અરજી દ્વારા દિલ્હી કોર્ટમાં માગણી કરી હતી કે, કોર્ટ જેલ પ્રશાસનને આદેશ આપે કે તેમને નિયમિત ઇન્શ્યૂલિન આપે. જો કે કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી.
આ અરજીમાં માગણી કરાઈ હતી કે, દિલ્હીના મુખ્યમંત્રીનાં પત્ની સુનીતા કેજરીવાલને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ડો. રવિચંદ્ર રાવની સાથે ચર્ચા કરવા માટે સામેલ થવાની અનુમતી અપાય.
જો કે આ અરજી કેજરીવાલ કે તેમના પરિવાર દ્વારા ન કરાઈ હોવાથી કોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે, અરજદારને કેજરીવાલ સાથે કોઈ સંબંધ નથી, માટે તેનો સ્વીકાર ના કરી શકાય. આ એક પબ્લિસિટી માટેની અરજી છે. આ સાથે જ હાઇકોર્ટે અરજદારને રૂ. 75 હજારનો દંડ પણ કર્યો હતો. આ અરજીમાં કેજરીવાલને અસાધારણ વચગાળાના જામીન પર છોડવાની માગણી કરાઈ હતી, જેને પણ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

