યૂરોપિયન કમિશન ભારતીયોને શેન્ઝેન વિઝા આપશે

Wednesday 24th April 2024 07:32 EDT
 
 

નવી દિલ્હી: યુરોપનો વારંવાર પ્રવાસ કરતા ભારતીય મુસાફરો માટે યૂરોપિયન કમિશને શેન્ઝેન વિઝાના નિયમ હળવા કર્યા છે. હવે ભારતીયો 5 વર્ષની મુદત સુધી મલ્ટિપલ એન્ટ્રી માટે વિઝાની અરજી કરી શકે. યૂરોપિયન યુનિયનના ભારત ખાતેના એમ્બેસેડર હર્વ ડેલ્ફિને નવા વિઝા નિયમોને બે દેશોના લોકો વચ્ચે સંપર્ક સઘન બનાવવાનું પગલું દર્શાવ્યું હતું.
યૂરોપિયન યુનિયનએ જણાવ્યું હતું કે, “18 એપ્રિલે યૂરોપિયન કમિશને ભારતના નાગરિકોને મલ્ટિપલ એન્ટ્રી વિઝા જારી કરવા ચોક્કસ નિયમ જાહેર કર્યા હતા. તે અત્યાર સુધીના વિઝા નિયમો કરતાં વધુ સાનુકૂળ છે.” ઇયુએ વધુમાં જણાવ્યું હતું કે, “ભારતમાં રહેતા અને ટૂંકી મુદતના શેન્ઝેન વિઝાની અરજી કરનારા લોકોને એકથી વધુ વર્ષના વિઝા ઝડપથી મળી શકશે. હવે ભારતના નાગરિકોને લાંબા ગાળાના તેમજ 2 વર્ષ માટેના મલ્ટિપલ એન્ટ્રી વિઝાનો માર્ગ મોકળો બન્યો છે. જો કે તેમણે અગાઉનાં ત્રણ વર્ષમાં બે વિઝાનો કાયદેસર ઉપયોગ કર્યો હોવો જોઈએ. પાસપોર્ટમાં પૂરતી વેલિડિટી હોય તો સામાન્ય રીતે 2 વર્ષના વિઝા પછી 5 વર્ષના વિઝા મળે છે. આવા વિઝાના વેલિડિટી ગાળામાં વિઝાધારક વિઝાની જરૂર ન હોય તેવા નાગરિકો સમકક્ષ મુસાફરીના અધિકાર માણી શકે છે.” શેન્ગન એરિયામાં 29 યૂરોપિયન દેશોનો સમાવેશ થાય છે.


comments powered by Disqus