ભારત સરકાર હસ્તકના બ્રોડકાસ્ટર દૂરદર્શને તેની ન્યૂઝ ચેનલ ડીડી ન્યૂઝનો લોગો બદલીને ભગવો કરી દીધો છે. લોગો ભગવો થતાં જ વિપક્ષો દ્વારા પ્રતિક્રિયા આવી રહી છે. ટીએમસી સાંસદ જવાહર સરકારે કહ્યું કે દૂરદર્શન પ્રસાર ભારતી નહીં પ્રચાર ભારતી બની ગયું છે.
• પશ્ચિમ બંગાળમાં શિક્ષકોની ભરતી રદ કરવા આદેશઃ કોલકાતા હાઇકોર્ટે સોમવારે 2016માં થયેલી 24000 શિક્ષકોની ભરતી રદ કરવાનો ચુકાદો આપ્યો છે. આ ઉપરાંત ગેરકાયદે નોકરી કરી રહેલા શિક્ષકોને સાત-આઠ વર્ષ દરમિયાન મળેલો પગાર પણ પરત કરવા આદેશ આપ્યો છે.
• મુરાદાબાદના ભાજપ ઉમેદવારનું અવસાનઃ ભારતીય જનતા પાર્ટીના મુરાદાબાદ લોકસભા બેઠક માટેના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું અવસાન થયું છે. 71 વર્ષના સર્વેશસિંહ બીમાર હતા. દિલ્હી એમ્સમાં સારવાર દરમિયાન હૃદયરોગના હુમલામાં તેમનું અવસાન થયું હતું.
• પૂંછમાં આતંકી નેટવર્કનો પર્દાફાશઃ જમ્મુના પૂંછમાં પોલીસ અને સુરક્ષાદળોએ આતંકી નેટવર્કનો પર્દાફાશ કરી સફળતા મેળવી છે. પોલીસે એક સ્કૂલના હેડમાસ્ટરની ધરપકડ કરી, જે આતંકવાદીઓ માટે ઓવરગ્રાઉન્ડ વર્કર (OGW) તરીકે કામ કરતો હતો.
• 2024 કેન્દ્રીય તિજોરી માટે ફળદાયીઃ નાણાકીય વર્ષ 2024 મોદી સરકારની તિજોરી માટે ફળદાયી સાબિત થયું છે. સરકારની ટેક્સની આવક સતત વધી રહી છે. માર્ચ 2024માં પૂર્ણ થયેલાં નાણાકીય વર્ષમાં ભારતનું ચોખ્ખું પ્રત્યક્ષ કર કલેક્શન વાર્ષિક ધોરણે 17.7 ટકા વધીને રૂ. 19.58 કરોડ નોંધાયું હતું. રવિવારે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે કર વસૂલાતની રકમ સુધારેલ અનુમાનિત આવકની સરખામણીએ ઘણી વધારે હતી.
• પતંજલિ ટ્રસ્ટે રૂ. 4.5 કરોડનો સર્વિસ ટેક્સ ચૂકવવો પડશેઃ પતંજલિ દ્વારા યોગ શિબિરોમાં પ્રવેશ પેટે વસૂલાતી ફી બદલ તેને રૂ. 4.5 કરોડનો સર્વિસ ટેક્સ ચૂકવવા આદેશ કરતાં એપેલેટ ટ્રિબ્યુનલના ચુકાદાને સુપ્રીમ કોર્ટે માન્ય રાખતાં નોંધ્યું હતું કે, આ રકમ દાન તરીકે સ્વીકારાઈ હતી, પરંતુ તે ઉપરોક્ત સેવાઓ પૂરી પાડવા માટેની ફી હતી.
• ઇન્ડિગો 2026 સુધી એર-ટેક્સી સેવા શરૂ કરશેઃ ભારતમાં 2026 સુધીમાં પહેલી ઈલેક્ટ્રિક એર ટેક્સી સેવા શરૂ થઈ શકે છે. ભારતીય એરલાઈન્સ ઈન્ડિગોની કંપની ઈન્ટરગ્લોબ એન્ટરપ્રાઈઝ અને અમેરિકાની આર્ચર એવિએશને દેશભરમાં એર ટેક્સી સર્વિસ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી છે.
• કર્ણાટકમાં કોંગ્રેસ કોર્પોરેટરની પુત્રીની લવજેહાદમાં હત્યાઃ કર્ણાટકમાં કોંગ્રેસના રાજમાં હુબલમીમાં કોંગ્રેસના જ કોર્પોરેટર નિરંજન હિરેમથની પુત્રી નેહાની ગુરુવારે એમસીએ ડ્રોપઆઉટ ફયાઝ નામના યુવકે બીવીબી કોલેજમાં ચાકુના સાત ઘા મારી હત્યા કરી હતી.
• વાઇસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી નેવી ચીફ બનશેઃ કેન્દ્ર સરકારે PVSM, AVSM, NM વાઈસ એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠીને નેવીના નવા પ્રમુખપદે નિયુક્ત કર્યા છે. તેઓ 30 એપ્રિલ, 2024ના રોજ બપોરે પોતાનો નવો ચાર્જ સંભાળશે. વર્તમાનમાં વાઇસ એડમિરલ ત્રિપાઠી નેવીના ઉપપ્રમુખ છે.
• 1500 કિ.મી.ની રેન્જવાળી ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણઃ DRDOએ ગુરુવારે ઓડિશામાં ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ચાંદીપુર ખાતે લાંબા અંતરની ક્રૂઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. સ્વદેશી ટેકનોલોજી આધારિત આ ક્રુઝ મિસાઈલ (ITCM)માં ભારતીય બનાવટનું માણિક ટર્બોફન એન્જિન લગાવવામાં આવ્યું છે.
• લશ્કર-એ-તોઇબા સુધી શસ્ત્રો પહોંચાડતા ખાલિસ્તાનીઓઃ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન લશ્કર-એ- તોઈબાએ કાશ્મીરમાં પોતાના આતંકીઓ સુધી ઘાતક હથિયારો અને વિસ્ફોટક પહોંચાડવા માટે પોતાની વ્યૂહરચના બદલી નાખી છે. પાકિસ્તાનના બદલે હવે આ હથિયારો પંજાબ થઇ કાશ્મીરમાં આતંકીઓ સુધી પહોંચાડાઈ રહ્યાં છે.
• ઈરાનના કબજા હેઠળના જહાજથી ભારતીય મહિલા એનટેસા પરતઃ ઈરાને કબજામાં લીધેલા ઈઝરાયેલી અબજોપતિના જહાજ પર સવાર 17 ભારતીયો પૈકી કેરળની કેડેટ એનટેસા જોસેફ સુરક્ષિત ભારત પરત ફરી છે. વિદેશ મંત્રાલય દ્વારા એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. ગુરુવારે કેરળના ત્રિશૂરની રહેવાસી એન ટેસા કોચીન એરપોર્ટ પર પહોંચી હતી જ્યાં તેનું સ્વાગત કરાયુ હતું.
