હિમાલયનાં સરોવરો તૂટશે તો બ્રહ્મપુત્રા, સિંધુ, ગંગામાં જળપ્રલયનું જોખમઃ ઇસરો

Wednesday 24th April 2024 07:32 EDT
 
 

નવી દિલ્હીઃ હિમાલયની પર્વતમાળાને વિશ્વનો ત્રીજો ધ્રુવ કહેવાય છે. તેનું કારણ છે ત્યાં મોટા પાયા પર ગ્લેશિયર્સની હાજરી અને વિપુલ પ્રમાણમાં બરફ છે. જો કે હવે આ વિસ્તાર ગ્લોબલ વોર્મિંગથી મોટાપાયે પ્રભાવિત થઈ રહ્યો છે. આ વિસ્તારનો બરફ પીગળી રહ્યો છે અને ગ્લેસિયર સંકોચાઈ રહ્યા છે. તેની અસર સામાજિક રીતે પણ પડી રહી છે.
આ અંગે ઇસરોએ ચેતવણી આપી છે કે, પહાડો પર જ્યાં પણ અહીંથી વહેનારું પાણી જમા થાય છે, ત્યાં ગ્લેશિયર લેક્સ બની જાય છે. પાણીમાં પાણી મળતાં નવી ગ્લેશિયર લેક્સ સર્જાવવાની સાથે જૂનીનો આકાર પણ વધતો જાય છે. આ ગ્લેશિયર અને બરફ ભારતની નદીઓના સ્ત્રોત છે, જો કે તે જોખમી સાબિત થઈ શકે છે.
આ ગ્લેશિયર લેક્સથી ગ્લેસિયલ લેક્સ આઉટબર્સ્ટ ફ્લડ્સનો ભય રહે છે. કેદારનાથ, ચમૌલી અને સિક્કિમમાં આ દુર્ઘટના જોવા મળી. તેના લીધે નીચેના વિસ્તારોમાં રહેતા લોકો પર ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનનો ભય હોય છે. ગ્લેશિયર લેક્સ ત્યારે તૂટે છે જ્યારે તેમાં કોઈ ભારે ચીજ પડે અથવા તો પાણીનું પ્રમાણ વધતાં તેની દીવાલ તૂટે. સેટેલાઇટ દ્વારા નવા બનતા લેક્સની સાથે જૂનાના વધતા આકાર પર પણ નજર રખાય છે, જેથી ખતરનાક ગ્લેશિયર લેક્સ ફાટે તે પહેલાં લોકોને ચેતવી શકાય અને સુરક્ષિત સ્થળે મોકલી શકાય. ભારત પાસે હિમાલયમાં ઉપલબ્ધ બર્ફીલા લેક્સનો ત્રણથી ચાર દાયકાનો ડેટા છે. 1984થી 2023 સુધીના આંકડા જોતાં ખબર પડે છે કે હિમાલયમાં આવી 2,400 કરતાં વધુ લેક્સ છે, જે દસ હેક્ટર કરતાં પણ મોટો ફેલાવો ધરાવે છે. જ્યારે 1984 સુધી આવા લેક્સની સંખ્યા 676 હતી. તેમાં 130 ભારતમાં હાજર છે. તેમા સિંધુ નદી પર 65, ગંગા પર સાત અને બ્રહ્મપુત્ર પર 58 ગ્લેસિયલ લેક્સ બનેલા છે.


comments powered by Disqus