ભુજ: અરુણાચલ પ્રદેશથી સેનાની પેરામોટરની ટીમ 308 કલાક 10 હજાર કિમી હવાઇ યાત્રા બાદ ભુજ પહોંચી હતી. અહીં એક સમારોહમાં ડેઝર્ટ કોર્પ્સના જીઓસી લેફ્ટનન્ટ જનરલ મોહિત મલ્હોત્રાએ આ જવાનોનું બહુમાન કર્યું હતું. અભિયાન 29 નવેમ્બર 2024ના રોજ ભારતના સૌથી પૂર્વીય શહેર કિબિથુ (અરુણાચલ પ્રદેશ)થી શરૂ થયું હતું. કિબુથુમાં સૂર્યપ્રકાશના પ્રથમ કિરણો દેશમાં પ્રવેશ કરે છે. કારગિલ યુદ્ધના 25 વર્ષ અને ‘બોમ્બે સેપર્સ વોર મેમોરિયલ'ની શતાબ્દી ઉજવણીની યાદમાં આ અભિયાનનુ આયોજન કરાયુ હતું. આ અભિયાન દરમિયાન અધિકારીઓ અને ત્રીસ સૈનિકોની ટીમ 10,683 કિલોમીટરના અંતર પર 52 ટચ પોઈન્ટ્સ, પર્વતો, મનોહર ખીણો, ફળદ્રુપ મેદાનો અને નવ રાજ્યોમાં ઉડતા-ઉડતા કચ્છના રણને પાર કરી 16 જાન્યુઆરીએ ભુજ પહોંચ્યા હતાં. સેનાની ટીમ પ્રવાસમાં ગુવાહાટી, મિર્ઝાપુર, સાગર. ઉજ્જૈન, ધોળાવીરા થઈ ભુજ સુધી આકાશી મુસાફરી કરી હતી.

