આજે ગુજરાત ભારતનું મોટું મેડિકલ હબ બની રહ્યું છે : વડાપ્રધાન

Wednesday 24th January 2024 05:43 EST
 
 

રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પડધરીના અમરેલી ખાતે રૂ. 245 કરોડના ખર્ચે આકાર પામનારી કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન પ્રસંગને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સેવા અને જનકલ્યાણના ઉમદા કાર્ય કરતા ખોડલધામ ટ્રસ્ટનો આ પ્રોજેક્ટ વધુ એક મિશાલ સર્જશે. તેમણે વિદેશમાં લગ્ન પ્રસંગો યોજવાને બદલે મા ખોડલના ચરણે લગ્ન પ્રસંગ યોજવાની હિમાયત કરતા કહ્યું કે, મેડ ઈન ઈન્ડિયાની જેમ વેડ ઈન ઈન્ડિયાનું સૂત્ર અપનાવવું જોઈએ.
વડાપ્રધાને કહ્યું હતું કે, સરકારે છેલ્લા નવ વર્ષોમાં 30 જેટલી કેન્સર હોસ્પિટલ શરૂ કરી છે અને 10 નવી કેન્સર હોસ્પિટલ બની રહી છે. કેન્સરના ઈલાજમાં વહેલી તકે નિદાન થવું જરૂરી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેન્સર સહિતની ગંભીર બીમારીઓનું નિદાન વહેલી તકે થઈ શકે તે માટે કેન્દ્ર સરકારે ગ્રામ્ય સ્તરે દોઢ લાખથી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવ્યા છે. સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવા સરકારે 10,000 જેટલા જન ઔષધી કેન્દ્ર શરૂ કર્યા છે.


comments powered by Disqus