કબૂતરબાજીથી રૂ. 55 લાખમાં અમેરિકા મોકલતા એજન્ટ દંપતીની ધરપકડ

Wednesday 24th January 2024 05:43 EST
 
 

અમદાવાદ: કબૂતરબાજીથી અમેરિકામાં ઘૂસાડવાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે મહેસાણાના એજન્ટ દંપતી પુષ્પક અને ફાલ્ગુની રાવલની ધરપકડ કરી છે. રાવલ દંપતીએ એક યુવકને અમેરિકા ગેરકાયદે મોકલવા 55 લાખમાં સોદો કરી 10 લાખ લઈ લીધા હતા. બાકીના 45 લાખ યુવક અમેરિકા પહોંચે પછી આપવાના હતા. જોકે ત્રણ મહિના દુબઈમાં રહ્યા પછી યુવકે પાછા આવવું પડયું હતું.
સીઆઈડી ક્રાઇમને કબૂતરબાજી કૌભાંડમાં આ દંપતીની સંડોવણીની બાતમી મળતાં રવિવારે મહેસાણાથી તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 24 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે એજન્ટ પુષ્પક રાવલ અને ફાલ્ગુની રાવલની પૂછપરછ શરૂ કરી છે. ચાર્ટર્ડ ફ્લાઇટમાં ગુજરાતના 66 સહિત 303 લોકોને ગેરકાયદે અમેરિકા લઈ જતી એક ફ્લાઈટ ફ્રાંસમાં રોકી દેવામાં આવી હતી અને તમામને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ગુજરાતના 66 પેસેન્જરોની પૂછપરછ પરથી સીઆઈડી ક્રાઈમને કબૂતરબાજીનું નેટવર્ક ચલાવતા લોકો અંગે માહિતી મળી હતી. આ કેસમાં પોલીસે 14 એજન્ટ સામે નામજોગ ગુનો નોંધ્યો હતો.


comments powered by Disqus