નડિયાદ: નડિયાદમાં બુધવારે ઉદ્યોગપતિ કુમાર મેઘરાજની એશિયન ફૂડ ફેકટરી અને તેમના ઘરે ઇન્કમટેકસના દરોડા પડયા હતા. આઇટી વિભાગના અધિકારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારે ફેકટરી અને ઘરે દરોડો પાડયો હતો. આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટાપાયે બેનામી સંપતિ અને વ્યવહારો પકડાય તેવી શકયતા છે. ઉપરાંત એક બિલ્ડર ગ્રુપના ત્યાં પણ આઇટીના દરોડા પડેલ છે. આ દરોડાથી કરચોરી કરનાર ઉદ્યોગપતિ, વેપારીઓ, બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નડિયાદ પાલિકા પૂર્વ પ્રમુખ, સિંધી સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ કુમાર મેઘરાજના નડિયાદના મંજીપુરા રોડ પરના 'કુમાર પેલેસ'માં વહેલી સવારે ઇન્કમટેકસ ટીમે દરોડો પાડયો હતો. સૌ પરિવારજનો ઊંઘતા હતા ત્યારે અધિકારીઓએ રેડ કરી હતી.
આ ઉપરાંત આણંદમાં આયકર વિભાગની ટીમના અધિકારીઓએ શહેરના કેટલાક જવેલર્સ અને બિલ્ડર્સને ત્યાં તપાસ શરૂ કરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ ઓપરેશનની કામગીરી દરમિયાન નાણાકીય વ્યવહારો જેમાં બેન્કના ટ્રાન્ઝેશન, અન્ય વ્યક્તિઓ સાથે કરાયેલી લેવડ-દેવડ, ખરીદી અને વેચાણની વિગતો, હિસાબોના ચોપડા, ડાયરી સહિત હિસાબો માટે મેન્ટેઈન કરવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ તેમજ કોમ્પ્યુટર અને લેપટોપથી લઈ મોબાઈલની પણ સઘન તપાસ હાથ ધરી છે.

