રાજદ્વારી મહાનુભાવોની નજરે... શ્રી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

Wednesday 24th January 2024 08:13 EST
 
 

નવી દિલ્હીઃ ભારતમાં ફરજ બજાવતા વિવિધ દેશોનાં રાજદૂતોએ પણ અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હર્ષભેર આવકારીને શુભેચ્છા પાઠવીને હરખ વ્યક્ત કર્યો હતો.
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની અસર રાજદ્વારી વર્તુળોમાં પણ જોવા મળતી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને સભ્યતાનો આત્મા ફરી પ્રગટી રહ્યો હોવાનું જણાવતા ઉમેર્યું કે આ મૂલ્યો, સન્માન, ન્યાય અને પ્રતિબદ્ધતાનો સંદેશ આખી દુનિયાને આપે છે.
યુએન મહાસભાના અધ્યક્ષ ડેનિસ ફ્રાન્સિસ સોમવારે ભારતની મુલાકાતના ભાગરૂપે નવી દિલ્હી પહોંચ્યા અને પછી તરત પોતાના સંદેશમાં કહ્યું કે, ભારતમાં જ્યારે બીજા દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આ પાવન અવસર પર હું અહીં પહોંચીને પ્રસન્ન છું.
નવી દિલ્હી સ્થિત ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હિન્દી ભાષામાં પોતાના વિચાર પ્રગટ કરીને લખ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર ભારતના લોકોને હાર્દિક શુભેચ્છાઓ... દુનિયાભરના ભક્તો માટે આ ઐતિહાસિક ક્ષણ છે. હું અયોધ્યામાં રામમંદિરમાં ત્વરિત દર્શન કરવા ઈચ્છુક છું.
સાઉથ કોરિયા - અયોધ્યાનું કનેક્શન
અયોધ્યા સાથે ખાસ સંબંધ હોવાની માન્યતા ધરાવતા દેશ સાઉથ કોરિયાના નવી દિલ્હી સ્થિત દૂતાવાસે પણ ખાસ સંદેશ આપ્યો છે. આ સંદેશમાં અભિનંદનની સાથે શુભકામના પાઠવતા કહ્યું કે, આ જગ્યા ભારત અને સાઉથ કોરિયાના સંબંધમાં ખાસ સ્થાન ધરાવે છે.
સાઉથ કોરિયા માને છે કે લગભગ 2100 વર્ષ પહેલા અયોધ્યાની એક રાજકુમારી શ્રીરત્નાના લગ્ન ત્યાંના પ્રતાપી રાજા કિમ સુરો સાથે થયા હતા. આ બંને આજે પણ ત્યાં પૂજા થાય છે.
તાઇવાનના વિદેશમંત્રી જોસેફ વૂએ પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર ભારતના લોકોને શુભકામના પાઠવી છે.


comments powered by Disqus