રામલલા માટે વિજ્ઞાનીઓએ ‘સૂર્યતિલક’ તૈયાર કર્યું

Wednesday 24th January 2024 07:19 EST
 
 

નવી દિલ્હીઃ અયોધ્યાના રામમંદિરમાં દર વર્ષે એક વાર રામલલાના મસ્તકે વિશેષ સૂર્યતિલક દેખા દેશે. પ્રત્યેક રામનવમી અર્થાત્ ભગવાન રામના જન્મદિવસે રામમૂર્તિના મસ્તક પર વિશેષ સૂર્યતિલક જોવા મળશે. વિજ્ઞાનીઓ દ્વારા અરીસા અને લેન્સની મદદથી તૈયાર થયેલા ડિવાઈસની મદદથી રામનવમીના દિવસે સૂર્યકિરણ સીધું રામલલાના મસ્તક પર અંકાશે. સત્તાવાર રીતે તેને સૂર્યકિરણ મિકેનિઝમ નામ અપાયેલું છે. આ મિકેનિઝમની મદદથી સચોટપણે મૂર્તિના મસ્તક પર તિલકની આભા ઊભી કરવી તે વિજ્ઞાનીઓ સામેનો મોટો પડકાર હતો. સીબીઆરઆઈના વિજ્ઞાનીઓની એક ટીમે સૂર્યતિલક મિકેનિઝમની રચના એ રીતની કરી છે કે દર વર્ષે રામનવમીના દિવસે બપોરે 12 કલાક અને 6 મિનિટે સૂર્યકિરણ ભગવાન રામની મૂર્તિના મસ્તક પર પડશે. એક ગિયરબોક્સ, રિફલેક્ટિવ મિરર અને લેન્સની વ્યવસ્થા એ રીતે છે કે શિખર નજીક ત્રીજા માળેથી સૂર્યકિરણને ગર્ભગૃહ સુધી લાવવામાં આવશે. સૂર્યકિરણના પથ બદલવાના સિદ્ધાંતો કામે લગાડી સિસ્ટમ તૈયાર થઇ છે. આ હેતુસર બેંગલુરુના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સની મદદ પણ લેવાઇ છે.


comments powered by Disqus