વડોદરા: શહેરના હરણી વિસ્તારના તળાવમાં ગમખ્વાર દુર્ઘટનામાં ન્યૂ સનરાઇઝ સ્કૂલના પ્રાથમિક વિભાગના 23 વિદ્યાર્થી સહિત 31 વ્યક્તિ ભરેલી બોટ ઊંધી વળી જતાં 16નાં મોત થયા છે. 18 જાન્યુઆરીએ બનેલી આ ગોઝારી દુર્ઘટનાનો ભોગ બનેલાઓમાં 14 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાનો સમાવેશ થાય છે. આમાંથી એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે.
શહેરના વાઘોડિયા રોડ વિસ્તારના સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ પાસેની ન્યૂ સનરાઈઝ સ્કૂલના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને ગયા ગુરુવારે પિકનિક માટે હરણીના લેક ઝોન ખાતે લવાયા હતાં. જેમાં ધો. 1થી 6ના 27 વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકોનો સમાવેશ થતો હતો. પિકનિકના ટાઈમટેબલ મુજબ છેલ્લે વિદ્યાર્થીઓને બોટિંગ કરાવાયું હતું. સાંજે સાડા ચારના અરસામાં અચાનક બોટ પલટી ગઈ હતી.
કુમળા બાળકો અને શિક્ષકોએ બુમરાણ બચાવી હતી. આ જોઇને બોટિંગ ક્લબની બહાર ઉભેલા સ્કૂલના બીજા બાળકો અને સ્ટાફનો જીવ પડીકે બંધાયો હતો. એક શિક્ષિકાએ ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. જે બાદ ગણતરીના સમયમાં લાશ્કરોની ટીમ ઘટના સ્થળે દોડી હતી. આ ગોઝારી દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો મળી કુલ 14ના મોત થયા હતાં. 13 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોનો આબાદ બચાવ થયો છે. એક વિદ્યાર્થીની ગંભીર હાલતમાં હોવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ છે.
આ સમાચાર મળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, સીએમના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથ વડોદરા ધસી ગયા હતા.
15ની ક્ષમતાવાળી બોટમાં 31 જણને બેસાડાયાં
એક બોટમાં 15 વ્યક્તિ બેસી શકે પરંતુ બોટમાં 23 વિદ્યાર્થી, 4 શિક્ષકો અને 4 સ્ટાફ મળીને 31 ને બેસાડયા હોવાથી દુર્ઘટના બની હતી. બોટમાં બેસનારમાંથી માત્ર 10ને જ લાઇફ જેકેટ અપાયા હતા.
જાનહાનિથી વ્યથિત છુંઃ વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું હતું કે બોટ પલટી જવાથી થયેલી જાનહાનિથી વ્યથિત છું, દુ:ખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોને મારી સાંત્વના. ઘાયલો જલદી સાજા થાય. વહીવટી તંત્ર શક્ય તમામ સહાય પુરી પાડી રહ્યું છે. મૃતકોના પરિવારોને પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડમાંથી રૂ. બે-બે લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય અપાશે.
કલ્પના કરવી મુશ્કેલ: પટેલ
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું કે હરણી તળાવની દુર્ઘટનાને લઈને ખૂબ વ્યથિત છું, કાળ જ્યારે માસુમ બાળકોને માતાપિતા પાસેથી છીનવી લે ત્યારે તેમના હૃદય પર શું વીતે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય કરશે.
દુર્ઘટનાનો ભોગ બનેલા કમનસીબો
• સકીના શેખ • મુઆવજા શેખ • આયત મન્સુરી • અયાન મોહમ્મદ ગાંધી • રેહાન ખલીફા • વિશ્વા નિઝામ • જુહાબિયા સુબેદાર • આયેશા ખલીફા • નેન્સી માછી • હેત્વી શાહ અને રોશની સૂરવે (વિદ્યાર્થીઓ)
બે શિક્ષિકા • છાયાબહેન પટેલ અને ફાલ્ગુનીબેન સુરતી

