ભરૂચ: મનુબર ગામનો પટેલ પરિવાર છેલ્લાં 25 વર્ષ ઉપરાંતથી સ્વાઝીલેન્ડ ખાતે સ્થાયી થયો હતો. દરમિયાનમાં 10 જાન્યુઆરીએ પિતા તેમજ પુત્ર અને પુત્રી તેમના એક સ્વજનને જોહાનિસબર્ગ એરપોર્ટ પર છોડીને કારમાં પરત જઈ રહ્યાં હતાં. તે વેળાં અકસ્માતમાં ત્રણેયના મોત થયાંના અહેવાલથી વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભરૂચના મનુબર ગામના વતની ઇલ્યાસ યાકુબ પટેલ તેમની પત્ની સાથે 25-30 વર્ષથી સાઉથ આફ્રિકાના સ્વાઝીલેન્ડ ખાતે સ્થાયી થયાં હતાં. તેમને 17 વર્ષનો પુત્ર મોહમદ માઝ તેમજ 14 વર્ષની પુત્રી મુસ્કાન એમ બે સંતાનો હતાં. 10મી જાન્યુઆરીએ રાત્રે તેઓ તેમના કોઈ સ્વજનને મુકવા માટે જોહાનિસબર્ગ એરપોર્ટ પર ગયાં હતાં. તેમની પત્નીને સાઉથ આફ્રિકાના વિઝ નહીં મળતાં તેઓ તેમના નિવાસસ્થાને જ રોકાયાં હતાં. સ્વજનને છોડી પિતા ઇલ્યાસ પટેલ તેમજ બન્ને સંતાનો પોતાના ઘર પરત ફરી રહ્યાં હતાં. તે વેળાં એક બસ સાથે તેમની કારને ધડાકાભેર અકસ્માત સર્જાતાં ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.

