અયોધ્યા: ‘રામલલાની મૂર્તિ ચોકસાઈથી બને તે માટે મેં કેટલીય રાતો જાગીને પસાર કરી હતી. આજે એ બધું જ મને મૂલ્યવાન લાગે છે. આજે મને અનુભવ થઈ રહ્યો છે કે હું પૃથ્વીનો સૌથી સૌભાગ્યશાળી માણસ છું. મને આ કામ માટે ભગવાન શ્રી રામે જ પસંદ કર્યો છે. આજનો દિવસ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે.’
આ શબ્દો છે રામલલાની મનેમોહક મૂર્તિ બનાવનારા મૂર્તિકાર અરુણ યોગીરાજના. અરુણ યોગીરાજનો પરિવાર છેલ્લી પાંચ પેઢીથી ભગવાનની મૂર્તિઓ બનાવે છે. દેશભરના કેટલાય મંદિરોમાં તેમના પિતા-દાદા-પડદાદાએ બનાવેલી મૂર્તિઓની પૂજા થાય છે. અરુણ યોગીરાજ એ બાબતે ભાગ્યાશાળી છે કે તેની બનાવેલી મૂર્તિ અયોધ્યાના મંદિરમાં સ્થાપિત થઈ છે.
અરુણ યોગીરાજ કહે છે: મને મૂર્તિ બનાવવા માટે ભગવાન રામે જ પસંદ કર્યો હોય એવું લાગે છે. અમારા પરિવાર પ્રત્યે ભગવાન રામનો અપાર અનુગ્રહ રહ્યો છે. ખરાબ સમયમાં પણ ભગવાન રામે અમને શક્તિ આપી છે. આજે હું સપનાની દુનિયામાં હોઉં એવું લાગે છે.
કર્ણાટકના મેંગ્લુરુમાં અરુણ યોગીરાજનો પરિવાર રહે છે. અયોધ્યામાં યોજાયેલા રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આ મૂર્તિકાર અને તેના પરિવારને ખાસ નિમંત્રણ મળ્યું હતું. મહોત્સવમાં હાજર યોગીરાજની પત્ની વિજેતાએ કહ્યું હતું કે અરુણ મૂર્તિ બનાવવાના કામમાં એટલા ડૂબી ગયા હતા કે રાત-દિવસ મહેનત કરતા હતા. મૂર્તિમાં કોઈ કસર ન રહે તે માટે આખી આખી રાત જાગતા હતા. પરિવારને બિલકુલ સમય આપી શકતા નહીં, પરંતુ આજે અમને સૌને ખૂબ જ ગૌરવ થઈ રહ્યું છે. અમારો પરિવાર ભાગ્યશાળી છે કે અમને ભગવાનની સેવા કરવાની તક મળી.
અરુણ યોગીરાજ તેમના પિતા પાસેથી મૂર્તિ બનાવતા શીખ્યા હતા. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે. એક સમયે પ્રાઈવેટ નોકરી શરૂ કરી દીધી હતી, પરંતુ પરિવારની પરંપરા જાળવી રાખવાના ઈરાદે નોકરી મૂકીને મૂર્તિકાર બની ગયા હતા. આ મૂર્તિકારે અગાઉ આદિ શંકરાચાર્યની 12 ફૂટની મૂર્તિ બનાવી હતી, જે કેદારનાથમાં સ્થપાઈ છે.

