ગાંધીનગર: ગુજરાતના સરહદી પ્રવાસને ઉત્તેજન આપતા અને વૈશ્વિક ઓળખ સમાન ધોરડોની ઝાંખી દિલ્હીમાં રજૂ થવાની છે. આ સ્થાનના ભુંગા તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા ઉપરાંત રણોત્સવ અને ટેન્ટ સિટીનો ટેબ્લો પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીએ કર્તવ્યપથ પર આયોજિત રાષ્ટ્રીય પરડેમાં પ્રદર્શિત થશે.
ધોરડોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના બેસ્ટ ટુરિઝમ વિલેજની યાદીમાં સમાવવામાં આવ્યું છે. આ સરહદી ગામ તેની ખમીરાઈ અને ‘વિકસિત ભારત’ની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉતેજન આપે છે. આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 19 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 9 ઝાંખી મળી કુલ 25 ટેબ્લોનું પ્રદર્શન થનારું છે. આ પર્વની ઉજવણીમાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે. આ પરેડમાં પર્યાવરણીય - ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો વિકટ પરિસ્થિતિ વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર બન્યું છે તેની ઝાંખી રજૂ કરવામાં આવશે.
અમૃતકાળના આ પ્રથમ પ્રજાસત્તાક પર્વમાં પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું ધોરડો અનેક વિપરિત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ છે. ગુજરાતનો નકશો અને ભુંગાની સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા, રોગાન કલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી છે. પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરીને અહીંની કલાકૃતિઓને ખરીદતાં દર્શાવવામાં આવી છે. જે આ ગામની પરંપરાની સાથે ડિજિટલ પ્રગત્તિને દર્શાવી રહી છે.
ટેબ્લોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તાજેતરમાં 'યુનેસ્કો’એ ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા'માં સામેલ કર્યા છે, જે દરેક ગુજરાતી તેમજ ભારતીય માટે ગર્વની વાત છે. આ ટેબ્લોમાં તેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે.
'કુછ તો બાત હૈ, હમારે કચ્છ કી...'
પ્રજાસતાક પર્વની ઉજવણીમાં સતત ત્રીજા વર્ષે કચ્છની ઝાંખી દિલ્હીમાં રજૂ કરવામાં આવશે તેવો સંભવત પહેલો કિસ્સો બનવા જઈ રહ્યો છે. 9 એપ્રિલ 1965ના કચ્છનાં રણમાં ખેલાયેલા યુધ્ધમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનના 34 સૈનિકનો ખાતમો બોલાવ્યો હતો તે સરદાર પોસ્ટની ઝાંખી 2022 માં પ્રજાસતાક પર્વની પરેડમાં રજૂ થઈ હતી. જે બાદ 2023માં કચ્છી પહેરવેશ સાથેની મહિલા અને સોલાર પાર્ક, પવનચક્કી સહિતના ફ્લોટ સાથેની ઝાંખી રજૂ થઈ હતી અને હવે સતત ત્રીજા વર્ષે કચ્છનું વાઇટ રણ ધોરડોની ઝાંખી આખો દેશ નિહાળસે જે કચ્છ માટે મોટી સિદ્ધિ છે.

