અનંત-રાધિકાનું જામનગરમાં જાજરમાન સ્વાગત

Wednesday 24th July 2024 06:37 EDT
 
 

જામનગરઃ 12 જુલાઈએ શાનદાર લગ્ન સમારંભ બાદ 17 જુલાઈએ અનંત અને રાધિકા અંબાણી જામનગર આવી પહોંચ્યાં હતાં. અહીં જામનગરના લોકોએ નવદંપતીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બંનેના ભવ્ય સ્વાગત માટે ગુલાબનાં ફૂલથી બનેલી કાર્પેટ પાથરવામાં આવી હતી. વરઘોડિયાને આવકારવા સમગ્ર જામનગરમાં હોર્ડિંગ્સની સાથે લોકોનાં ટોળાં જોવા મળ્યાં હતાં, જાણે આખું જામનગર અનંત-રાધિકાને આવકારવા રસ્તા પર ઉતરી આવ્યું હોય તેવું લાગી રહ્યું હતું. લગ્ન બાદ પ્રથમ વખત જામનગર આવેલી રાધિકાની સ્થાનિક મહિલાઓએ આરતી ઉતારી હતી, તો અનંત અંબાણીનું પણ સામૈયું કરવામાં આવ્યું હતું.
જામનગર અંબાણી પરિવારના હૃદયની નજીક
જામનગર અનંત-રાધિકા અને સમગ્ર અંબાણી પરિવાર માટે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઉલ્લેખનીય છે કે અનંતનાં દાદી કોકિલાબહેન અંબાણીનો જામનગરમાં જન્મ થયો હતો અને દાદા ધીરુભાઈએ જામનગરથી જ પોતાના વ્યવસાયની શરૂઆત કરી હતી. જે બાદ અનંતના પિતા મૂકેશભાઈએ પણ જામનગરમાં જ ફેમિલી બિઝનેસ સંભાળ્યો હતો અને વ્યવસાયના પાઠ ભણ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, મારાં ત્રણેય સંતાનો આકાશ, ઇશા અને અનંતનું બાળપણ જામનગરમાં જ વિત્યું હતું, જેથી જામનગર અમારા હૃદયથી ખૂબ જ નજીક છે.


comments powered by Disqus