ઊંઝાના ઉમિયા મંદિરે ધજારોહણ માટે વિદેશથી પણ સેંકડો રજીસ્ટ્રેશન

Wednesday 24th July 2024 07:15 EDT
 
 

ઊંઝાઃ ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા ઊંઝાના ઐતિહાસિક નિજમંદિર પર હજારો ધજાઓનું આરોહણ કરવા મા ઉમિયા ધજા મહોત્સવનું 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી આયોજન કરાયું છે. મા ઉમિયા ધજા મહોત્સવની વિવિધ કમિટીના પદાધિકારીનો દાયિત્વ સ્વીકૃતિ સમારોહ સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જે. પટેલ, ધજા મહોત્સવના ચેરમેન બાબુભાઈ પટેલ (ખોરજવાળા), ધજા મહોત્સવના કન્વીનર ગોવિંદભાઈ પટેલ, સ્વાગત કમિટીના ચેરમેન દશરથભાઈ અને બજરંગ સંસ્થાના હોદ્દેદારોઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં 500થી વધારે ભાઈ-બહેનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
આ ઉપરાંત અમેરિકા-ઓસ્ટ્રેલિયા, કેનેડા, લંડન અને અન્ય દેશથી 450થી વધારે ધજાઓનું રજિસ્ટ્રેશન થયું છે. જે પૈકી રૂ. 1100 વાળી 7500 ધર્મધજા અને રૂ. 5100 વાળી 800 ઉમા પ્રાગટ્ય ધજાનું રજિસ્ટ્રેશન થયું છે. આખા દિવસ દરમિયાન દરરોજ 11 સ્લોટ પૈકી દરેક સ્લોટમાં 168 ધજા ચડાવવામાં આવશે. યજમાનોનું સ્વાગત તેમજ ધજાપૂજન થયા બાદ તેમની સાથે આવનાર ઉમાભક્તોની હાજરીમાં પૂજનસ્થળ ઉમિયાબાગથી ડી.જે.ના તાલ સાથે શોભાયાત્રા નીકળશે અને મા ઉમિયાના મંદિરના શિખર પર ધજાઓનું આરોહણ કરાશે.
ધજા મહોત્સવની વિશેષ ધજાઓની ઉછામણી 18 ઓગસ્ટે રવિવારે બપોરે 3:30 વાગ્યે ઊંઝા ખાતે રખાઈ છે, જેમાં દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, કારોબારી સભ્યો, સૌ કાર્યકરોની હાજરીમાં થશે.
મહોત્સવના આગલા દિવસે 11 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે વિશેષ ધજાની ઉછામણી લેનારા યજમાનોની બગીઓ, 1868 વેરાવાળી બહેનો અને હજારો ભક્તો શોભાયાત્રા સ્વરૂપે મંદિરે પહોંચશે અને ધ્વજા આરોહણ કરવામાં આવશે. સંસ્થાના માનદમંત્રી દિલીપભાઈ નેતાજીએ જણાવ્યું કે, મહોત્સવ દરમિયાન 15 લાખથી વધુ ભક્તો પધારશે.


comments powered by Disqus