કચ્છ-સૌરાષ્ટ્રમાં 50 ટકાથી વધુ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માંડ 23 ટકા વરસાદ

Wednesday 24th July 2024 06:37 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં સરેરાશ 13.30 ઈંચ સાથે સિઝનનો 38.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં 21 જુલાઇ સુધીનો આ સૌથી ઓછો વરસાદ છે. 21 જુલાઇ સુધી 2022માં 60.22 ટકા અને 2023માં 61.62 ટકા વરસાદ વરસ્યો હતો. વરસાદ મામલે ગુજરાતમાં વિપરીત ચિત્ર જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 50 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ માત્ર 25 ટકા પણ વરસાદ વરસ્યો નથી.
ગુજરાતના રિજિયન પ્રમાણે જોતાં સૌરાષ્ટ્રમાં સિઝનનો સૌથી વધુ 57.10 ટકા, કચ્છમાં 51.10 ટકા જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 23.09 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 39.82 ઈંચ અને પાટણમાં સૌથી ઓછો 5 ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડ ઉપરાંત જૂનાગઢ, નવસારી, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં 30 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
તાલુકા પ્રમાણે જૂનાગઢના વંથલીમાં 47.87 ઈંચ સાથે સૌથી વધુ મેઘમહેર થઈ છે, જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં સૌથી ઓછો 2.45 ઈંચ વરસાદ નોંધાયો છે.
પાટણના ચાણસ્મા, બનાસકાંઠાના થરાદ અને કચ્છના રાપરમાં 5 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. રાજ્યના 9 તાલુકા એવા પણ છે,
જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. અલબત્ત 133 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.
સરેરાશ પ્રમાણે જોવામાં આવે તો દેવભૂમિ દ્વારકા સિઝનનો સૌથી વધુ 108 ટકા, પોરબંદરમાં 96 ટકા અને જૂનાગઢમાં 91 ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ દાહોદમાં સૌથી ઓછો 19.74 ટકા વરસાદ નોંધાયો છે.


comments powered by Disqus