કચ્છની સરહદે ગરમી-તરસથી બીએસએફનાં બે જવાનનાં મોત

Wednesday 24th July 2024 07:15 EDT
 
 

ભુજઃ ભારત- પાકિસ્તાનને જોડતી આંતરરાષ્ટ્રીય કચ્છ સરહદે પગપાળા પેટ્રોલિંગમાં નીકળેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સના બે જવાનોનાં ડિહાઇડ્રેશનના કારણે મૃત્યુ નીપજ્યાં છે. લખપત બોર્ડર પિલ્લર નંબર 1136 પાસે આ બનાવ બન્યો હતો. ડેપ્યુટી કમાન્ડન્ટ વિષ્ણુ દેવની રાહબરી હેઠળ શુક્રવારે વહેલી પરોઢે પાંચ વાગ્યાના અરસામાં દયાલરામ સહિતના 6 જવાનોની ટીમ ફૂટ પેટ્રોલિંગમાં નીકળી હતી, ત્યારબાદ બપોરના સમયે લખપતના હરામીનાળા વિસ્તારમાં અટપટી ક્રીકમાં આસિ. કમાન્ડન્ટ સહિત 3 જવાનો કાદવમાં ખૂંપી ગયા હતા. તેઓને કાઢવાના પ્રયાસ થયા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યા અને ડિહાઇડ્રેશનથી બે જવાનનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય એકને દાખલ કરાયો હતો.
સમયાંતરે આવી ઘટનાઓ બને છે
કોટેશ્વર નજીકથી શરૂ થતી અનેક અટપટી ક્રીકના કારણે આ વિસ્તાર ભૌગોલિક રીતે વિશિષ્ટ છે. અહીં ક્યાંક ચેરિયાનાં વન, ક્યાંક કાદવવાળી જમીન, ક્યાંક છીછરું પાણી તો ક્યાંક ઊંડું પાણી છે. આ કાદવ અને ભીનાશવાળી જમીનના કારણે સમયાંતરે બીએસએેફના જવાનો દુર્ઘટનાનો ભોગ બનતાં માંડ બચે છે.
ક્રીક સૈનિકો માટે કસોટીરૂપ
દેશવિરોધી તત્ત્વો માટે વિસ્ફોટક પદાર્થો, ઘાતક શસ્ત્રો ઘુસાડવા માટે ક્રીક વિસ્તાર અનુકૂળ છે. પાકિસ્તાન ભારત તરફના કાંઠાને સરહદ ગણાવી પોતાની સીમામાં લઈ લેવા ઇચ્છે છે. પાકિસ્તાનની આ બોર્ડરની સુરક્ષા માટે સિરક્રીકમાં જવાનો રાત્રે કાતિલ ઠંડી, બપોરે આકરી ગરમી અને રણની રેતીથી પરિવર્તિત થતાં સૂર્યપ્રકાશથી અંજાઈ જતી આંખોની સમસ્યાનો સામનો કરે છે.


comments powered by Disqus