4 હજાર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી ગુરુ અને માતા-પિતાની પૂજા

Wednesday 24th July 2024 07:15 EDT
 
 

કેરાઃ આજના બદલાતા માહોલમાં માતા-પિતા સંતાનો સામે મૌન થતાં જાય છે, ત્યારે લેઉઆા પટેલ સમાજે ભુજ ખાતે માતા-પિતા ગુરુપૂજનનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો.
કચ્છી લેઉઆ પટેલ કન્યા વિદ્યામંદિરના ઉપક્રમે સૂરજ શિક્ષણધામ, કન્યા રતનધામના સંકુલમાં કેશવલાલ પ્રેમજી ભૂડીયા મેમોરિયલ હોલ ખાતે જિલ્લાકક્ષાની ગુરુ પૂર્ણિમા ઊજવાઈ, જેમાં જિલ્લા પ્રાથમિક-માધ્યમિક બંને શિક્ષણ અધિકારીઓએ ભાગ લીધો હતો. બંને અધિકારીઓએ સંકુલના તમામ વિભાગોને મુલાકાત લઈ કચ્છી ઉદ્યોગપતિ હસુભાઈ ભૂડીયાના ઔદાર્યને ગુજરાતમાં અદ્વિતીય ગણાવ્યું હતું. સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, મોભી અરજણભાઈ પિંડોરિયાની ઉપસ્થિતિમાં 900 દીકરીના માવતરનું સામૂહિક પૂજન કરાયું હતું.
સરદાર પટેલ વિદ્યાસંકુલમાં માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય અને લેઉઆ પટેલ કુમાર વિદ્યાધામના ઉપક્રમે એક હજાર છાત્રએ માતા-પિતા અને ગુરુનું સામૂહિક પૂજન કર્યું ત્યારે બંને જગ્યાએ ભાગ લેનારા સૌ વાત્સલ્ય હેતે ચોધાર રડ્યા હતા. જાણીતા કેળવણીકાર કેસરાભાઈ પિંડોરિયાએ સમાજના માધ્યમે પાંચેક વર્ષ પહેલાં પારિવારિક ઘડતર માટે સામૂહિક પૂજન રીતિનો પ્રયોગ કર્યો હતો, જે સફળ થતાં હાલ પ્રતિવર્ષ આ કાર્યક્રમ યોજાય છે અત્રે નોંધનીય છે કે તે પછી જિલ્લાના અનેક સમાજ અને ધાર્મિક સંસ્થાઓએ પણ આ સંસ્કૃતિ સ્વીકારી છે.


comments powered by Disqus