ગઢચિરોલી-કાંકેર બોર્ડર પર 12 નક્સલીને મોતને ઘાટ ઉતારાયાઃ હથિયારો જપ્ત કરાયાં

Wednesday 24th July 2024 07:49 EDT
 
 

રાયપુરઃ છત્તીસગઢના કાંકેર જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના ગઢચિરોલીના વંડોલી ગામ પાસે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 નક્સલીઓ માર્યા ગયા છે. નક્સલીઓ પાસેથી એકે 47 સહિત ભારે માત્રામાં ઓટોમેટિક હથિયાર મળી આવ્યાં છે.
આ અથડામણમાં સી60ના એક પીએસઆઈ અને એક જવાનને ગોળી વાગવાથી તેઓ ઘાયલ થયા હતા, તેમને નાગપુર રિફર કરાયા હતા. બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે સવારે 10 વાગ્યે ગઢચિરોલીથી એક ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં 7 સી60 ટીમોને છત્તીસગઢની સરહદ પાસેના વંડોલી ગામમાં ગોઠવી દેવાઈ હતી. માહિતી મળી હતી કે ગામની નજીક 12થી 15 જેટલા નક્સલીઓએ આશરો લીધો છે. બપોરે ભારે માત્રામાં ગોળીબાર થયા હતા જે છ કલાકથી વધુ ચાલ્યા હતા અને સાંજે થોડી થોડી વારે ગોળીબાર થતા રહ્યા હતા.
સુરક્ષા દળોના સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 12 નક્સલીઓના મૃતદેહ મળ્યા છે. મૃતકો પાસેથી ત્રણ એકે47, બે ઈન્સાસ, એક કાર્બાઈન, એક એસએલઆર સહિત સાત સ્વયંચાલિત હથિયાર જપ્ત કરવામાં આવ્યાં છે. મૃત નક્સલીઓમાંથી એકની ઓળખ ટીપાગઢ દલમ પ્રભારી ડીવીસીએમ લક્ષ્મણ અત્રામ ઉર્ફે વિશાલ અત્રામ તરીકે થઈ છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ અથડામણ બાદ ઓપરેશનમાં સામેલ સી60 જવાનોને 51 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.


comments powered by Disqus