અમદાવાદઃ રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. મંગળવાર સુધીની સ્થિતિ મુજબ ચાંદીપુરા વાઇરસના કારણે મૃત્યુઆંક 36 નોંધાયો હતો, જ્યારે 88 પોઝિટિવ કેસ નોંધાયા છે. બનાસકાંઠાથી શરૂ થયેલા ચાંદીપુરાના કેસ હવે સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચી ચૂક્યા છે, જેના માટે સરકાર દ્વારા વિશેષ કમિટી બનાવવામાં આવી છે.
સતત વધતા કેસ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચાંદીપુરા વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાઇરસે લોકોની ચિંતા વધારી છે. ખાસ કરીને બાળકો આ વાઇરસના શિકાર બની રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ સતત વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે અમદાવાદ અને કચ્છમાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાયા. આ બંને જગ્યાએ ચાંદીપુરા વાઇરસના એક-એક કેસ સામે આવ્યા છે.
અમદાવાદ શહેરમાં પ્રથમ કેસ
અમદાવાદ શહેરમાં પણ હવે ચાંદીપુરા વાઇરસની એન્ટ્રી થઈ છે. શહેરમાં ચાંદીપુરા વાઇરસનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. અમદાવાદની એસએમએસ હોસ્પિટલમાં દાખલ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 6 વર્ષીય બાળકની સારવાર ચાલી રહી છે અને તે ઓક્સિજન હેઠળ છે. જે પૈકી અન્ય 3 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, તો અન્ય 3 બાળકોના રિપોર્ટ આવવાના બાકી છે.
કચ્છમાં ચાંદીપુરાની એન્ટ્રી
કચ્છમાં પણ ચાંદીપુરા વાઇરસની એન્ટ્રી થઈ. નખત્રાણાના દેવપરની દોઢ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. ચાંદીપુરા પોઝિટિવ કેસ આવતાં નખત્રાણા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સરવે હાથ ધરી તાલુકામાં દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.

