જમ્મુમાં વધુ ત્રણ હજાર જવાનો તહેનાતઃ ડોડામાં વધુ એક હુમલામાં બે ઘાયલ

Wednesday 24th July 2024 07:49 EDT
 
 

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં આતંકી હુમલા વધવા લાગ્યા છે. જમ્મુ પ્રાંતને આતંકીઓએ બાનમાં લીધુ હોય તેમ છેલ્લા સવા મહિનાથી સતત હુમલા થઇ રહ્યા છે. હવે ડોડા જિલ્લામાં ફરી એક વખત આતંકીઓ સુરક્ષા જવાનોને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો, જેમાં બે જવાનો ઘાયલ થઇ ગયા છે. બીજી તરફ સૈન્ય દ્વારા માત્ર જમ્મુ પ્રાંતમાં જ ત્રણ હજારથી વધુ જવાનોને ઉતારાયા છે, જેઓ આતંકીઓ પર તૂટી પડશે અને તેમનો સફાયો કરશે.
મળતા અહેવાલ મુજબ જમ્મુમાં વધી રહેલા આતંકી હુમલાની માહિતી અગાઉ જ મેળવી લેવામાં એજન્સીઓ પણ નિષ્ફળ સાબિત થઇ રહી છે, સૈન્ય અને સુરક્ષાદળોને માહિતીઓ મેળવવામાં આમ જનતાનો સહયોગ નથી મળી રહ્યો, જેને કારણે હુમલા પહેલા જે માહિતી અગાઉ મળી જતી હતી તે હવે ઓછી મળી રહી છે. અને તેથી જ આતંકીઓ મોટા હુમલા કરવામાં સફળ થઇ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર છેલ્લા છ મહિનામાં ઘાટીમાં ઘૂસણખોરી કરનારા આતંકીઓનો એક સમૂહ તાજેતરના વધી રહેલા આતંકી હુમલા પાછળ જવાબદાર હોઇ શકે છે.
જમ્મુમાં 20 વર્ષ જૂનું નેટવર્ક ફરી સક્રિય
જમ્મુમાં સેનાએ 20 વર્ષ પહેલાં પાકિસ્તાન તરફી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ- તોઈબાના જે લોકલ નેટવર્કને નિષ્ક્રિય કરી દીધું હતું, એ હવે ફરી સક્રિય થયું છે. પહેલાં આ લોકો આતંકવાદીઓના સામાન ઊંચકવાનું કામ કરતા હતા અને હવે એમને ગામોમાં જ હથિયાર, દારૂગોળો અને ખાવાપીવાની સામગ્રી આપી રહ્યા છે. તાજેતરના દિવસોમાં ઝડપાયેલા 25 શંકાસ્પદોએ આ ચોંકાવનારી માહિતી આપી હતી.
કુપવાડામાં 2 પાકિસ્તાની આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓમાં વધારા બાદ સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન યથાવત્ છે અને તેમને આતંકીઓ વિરુદ્ધ મોટી સફળતા મળી છે. કુંપવાડાના કેરન સેક્ટરમાં એલઓસી નજીક ગુરુવારે સૈન્ય તથા એસઓજીના જવાનો સાથે અથડામણમાં બે પાકિસ્તાની આતંકવાદી ઠાર મરાયા હતા. જવાનોએ આ વિસ્તારમાં કેટલાક આતંકી છુપાયા હોવાના ઇનપુટ મળતાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુંું હતું. આ દરમિયાન આતંકીઓ અને જવાનો વચ્ચે અથડામણ સર્જાઈ હતી.


comments powered by Disqus