સુરતઃ કેન્સર નિદાન કેમ્પમાં કેન્સરપીડિત દર્દીઓની વ્યથા જોઈને સુરતના યુવાને માતાના નામે ટ્રસ્ટની શરૂઆત કરી છે. યુવકે 18 જુલાઈએ પિતાના જન્મદિવસ પર મોટા વરાછામાં 22 બેડની નિઃશુલ્ક પેલિએટિવ કેર સેન્ટરની શરૂઆત કરી છે, જ્યાં કેન્સરના છેલ્લા સ્ટેજમાં જીવન માટે સંઘર્ષ કરી રહેલા દર્દીઓને તમામ પ્રકારની સુવિધા નિઃશુલ્ક અપાશે. આ 22 બેડના સેન્ટરમાં દર્દીઓનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટેની તમામ કાળજી લેવાશે. આ સાથે જ અહીં કેન્સરના 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દર અઠવાડિયે દર્દીઓના નિદાન માટે આવશે.
દર્દીઓની પીડા જોઈને વિચાર આવ્યો
સુરતના મહેશભાઈ રામાણીને બે વર્ષ પહેલાં એક કેન્સર નિદાન કેમ્પમાં દર્દીઓની સ્થિતિ અને તેમની વ્યથા જોઈને તેમના માટે કંઈક કરવાનો વિચાર આવ્યો હતો. જે અંતર્ગત મહેશભાઈએ માતા લીલાબહેન જીવનભાઈ રામાણી ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી છે. 18 જુલાઈએ પિતાના જન્મદિવસ પર પેલિએટિવ કેર સેન્ટરની શરૂઆત કરી છે, જેમાં લાખો રૂપિયાના ખર્ચે થતી સારવાર નિઃશુલ્ક મળશે.
રહેવા, જમવા, દવા તમામ સુવિધા
મહેશભાઈએ જણાવ્યું કે, અહીં કેન્સરના સ્પેશિયાલિસ્ટ 4 ડોક્ટર દર અઠવાડિયે આવશે. અહીં દર્દીઓને રહેવાની, ખાવાની અને દવાઓ સહિતની તમામ પ્રકારની સુવિધા મળી રહેશે. અહીં દર્દીઓને યોગા મેડિટેશન અને સાથોસાથ દર અઠવાડિયે ગીતાના પાઠ પણ કરાવાશે, જેથી તેઓ માનસિક રીતે મજબૂત બની શકે.
પેલિએટીવ કેર શું છે?
પેલિએટીવ કેર સેન્ટરમાં કેન્સરના છેલ્લા સ્ટેજમાં જીવન માટે સંઘર્ષ કરી રહેલા દર્દીઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય તે ભાવના સાથે લાગણીસભર કાળજી લેવામાં આવે છે. આ સાથે નિઃશુલ્ક સેવા કરવાના ઉમદા હેતુ સાથે મેડિકલ સેવા, યોગ્ય મેડિટેશન, રહેવા-જમવાની સગવડતા અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સેવા અપાય છે.

