પોરબંદર: પોરબંદરમાં સતત બે દિવસ સુધી હજારો લોકો પૂરની પરિસ્થતિ વચ્ચે ભારે પરેશાન થયા. શનિવારે વરસાદ ઓછો થતાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી, પોરબંદરના સાંસદથી માંડીને રાજ્યસભાના સાંસદ, ધારાસભ્ય અને નેતાઓએ ટ્રેક્ટરમાં બેસીને જુદાજુદા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ સમયે સ્થાનિક લોકો તેમને ટ્રેક્ટરમાં બેસેલા નિહાળીને આશ્ચર્યચક્તિ થયા હતા. પોરબંદરમાં બે દિવસમાં વરસેલા 24 ઇંચ વરસાદે મોટુ નુકસાન કર્યું છે, ત્યારે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટમંત્રી ડો. મનસુખ માંડવિયા વધુ એક વખત હવાઈમાર્ગે પોરબંદર આવ્યા હતા. એરપોર્ટ આવી પહોંચ્યા બાદ તેમણે શહેરના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારો જિલ્લા કલેક્ટર કચેરીથી નરસંગ ટેકરી, પ્રજાપતિ સમાજની વાડી સામેનો વિસ્તાર, ફલાય ઓવર નજીકથી બોખીરા, જ્યુબિલી, સુભાષનગર વિવિધ વિસ્તારની મુલાકાત લીધી હતી.

