અમદાવાદઃ બાંગ્લાદેશમાં અનામતના મુદ્દે ચાલી રહેલા આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રદર્શનકારીઓની અથડામણના કારણે સ્થિતિ વધુ વણસતાં અનેક ઠેકાણે કર્ફ્યૂ લાદી દેવાયો છે, ત્યારે બાંગ્લાદેશ ભણવા ગયેલા 250થી વધુ ગુજરાતી હાલ ફસાઈ ગયા છે. તેમાં ચિતાગોંગમાં તબીબી અભ્યાસ માટે ગયેલા ગોધરાના 20થી વધુ છાત્રનો સમાવેશ થાય છે. જેમના પરિવારો ભારે ચિંતિત છે. જોકે તમામ છાત્રો સલામત સ્થળે હોવાની માહિતી મળતાં હાશકારો થયો છે.
રાજ્ય સરકારે કેન્દ્રના વિદેશ મંત્રાલય સાથે સંકલન કરીને 14 વિદ્યાર્થીઓને પાછા લાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે, જ્યારે અન્ય 11 વિદ્યાર્થીઓ માટે પણ વ્યવસ્થા કરાઈ છે. આ વિદ્યાર્થીઓ બાંગ્લાદેશ તબીબી અભ્યાસઅર્થે ગયા હતા. બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશનના અધિકારીઓ સંકલન કરીને વ્યવસ્થા ગોઠવી રહ્યાં છે. આ ફાઉન્ડેશને વિદ્યાર્થીઓની વિગતો મેળવવા હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. એટલું જ નહીં આવા વિદ્યાર્થીઓના વાલી અને પરિવાર તેમના સંતાનની વિગતો આપી શકે તે માટે ઈ-મેઇલ મારફતે વિગતો મગાવવાનું શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં નોકરીઓમાં આરક્ષણ નાબૂદ કરવાની માગ કરી રહેલા વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બન્યું છે, જેમાં 100થી વધુ પ્રદર્શનકારીનાં મોત થયાં છે.

