રાજકોટઃ શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે, ત્યારે દિલ્હી અને બિહારના યુવાને શિવભક્તિ માટે અલગ માર્ગ અપનાવ્યો છે. જે અંતર્ગત બંને મિત્ર દેશના 12 જ્યોતિર્લિંગની યાત્રા સાઇકલ પર કરીને દરેક શિવમંદિરે દર્શન કરશે, તેમજ યાત્રા દરમિયાન યુવાન સનાતન ધર્મનો સંદેશો અને તેનું મહત્ત્વ પણ યુવા પેઢીને સમજાવશે. આ બંને યુવાને રાજકોટમાં ટૂંકું રોકાણ કર્યું હતું.
રાજકોટ ખાતે આવેલા રાજેશ સનાતનીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં અનેક જગ્યાએ જોવા મળ્યું કે સનાતન ધર્મનું અપમાન થાય છે. ત્યારે સનાતનના સંદેશાનો પ્રચાર કરવા આ યાત્રા કરવાનું નક્કી કર્યું હતું. 6 મહિના પહેલાં તેઓ દિલ્હીથી નીકળ્યા હતા અને અત્યાર સુધી તેઓ 5 જ્યોતિર્લિંગનાં દર્શન કરી ચૂક્યાં છે અને હજુ 7 જ્યોતિર્લિંગનાં દર્શન બાકી છે.
બુધવારે બંનેએ રાજકોટમાં ટૂંકું રોકાણ કર્યું હતું. રાજકોટથી તેઓ સોમનાથ અને દ્વારકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે જશે. યાત્રા દરમિયાન તેઓનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. યાત્રા દરમિયાન તેઓ દરેક શિવમંદિરની વિશેષતા અંગે પણ જાણકારી મેળવી લોકો સુધી પહોંચાડશે.

