ભુતાનના રાજા અને પ્રધાનમંત્રી સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળી અભિભૂત

Wednesday 24th July 2024 06:37 EDT
 
 

કેવડિયાઃ ભુતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે માટે સોમવારની તેમની સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત યાદગાર બની રહી. ભારતના પડોશી દેશ ભુતાનના આ બંને વડા એકતાનગર ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળી અચંબિત રહી ગયા હતા.
ભુતાનના રાજા સાથેનું પ્રતિનિધિ મંડળ એકતાનગર ખાતે આવી પહોંચ્યું હતું. ભુતાનના પારંપરિક વસ્ત્ર પરિધાનમાં આ વિદેશી મહાનુભાવોનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં સ્વાગત કરાયું હતું. ગુજરાતની ઓળખસમા ગરબાની પ્રસ્તુતિ સાથે મહાનુભાવોને આવકારાયા હતા. અહીં સર્વેને વોલ ઓફ યુનિટીની માહિતી અપાઈ હતી. અહીં ભારતની સ્વાતંત્ર્ય ગાથા અને તે બાદ ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનની તલસ્પર્શી વિગતો ગાઇડ દ્વારા રજૂ કરાઈ હતી. રાજા અને પ્રધાનમંત્રી વ્યૂઇંગ ગેલેરી પહોંચ્યા હતા અને ત્યાંથી મહાનુભાવોએ વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમનો નજારો નિહાળ્યો હતો.
અહીં મહાનુભાવોને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણની પર્શ્ચાદભૂ સમજાવાઈ હતી. બાદમાં રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂકે વિઝિટર બુકમાં નોંધ કરી હતી. જેમાં તેમણે સુંદર અક્ષરોમાં લખ્યું કે, ‘ભારતને શુભકામના અને સ્મરણ.’ ભુતાનના આ સર્વોચ્ચ પ્રતિનિધિમંડળે બાદમાં સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી હતી. અહીં સરદાર સરોવરના કારણે ગુજરાત રાજ્યમાં પાણીની સમસ્યાના નિરાકરણની વિગતો અપાઈ હતી. આ મુલાકાત સમયે રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ભુતાનના ભારતીય રાજદૂત સુધાકર દેલેલા, ભુતાનના ભારત ખાતેના રાજદૂત મેજર જનરલ વેતસોપ નામગ્યેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus