મુંબઈઃ મહારાષ્ટ્રમાં 4 મહિના પછી યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જાહેરાતોનો પટારો ખોલ્યો છે. બજેટમાં મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની ‘મુખ્યમંત્રી માંઝી લાડકી બહિન' યોજના પછી બુધવારે યુવાનો માટે 'લાડલા ભાઉ' યોજનાની જાહેરાત કરાઈ છે. આ યોજના હેઠળ આઇટીઆઇ, ડિપ્લોમા હોલ્ડર્સથી માંડીને 12મું પાસ અને ગ્રેજ્યુએટ સુધીના યુવાનોને માસિક 10 હજાર રૂપિયા ચૂકવાશે. દર નાણાકીય વર્ષમાં 10 લાખ યુવાનોને આ ઇન્ટર્નશિપ મળશે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે 12મું પાસને રૂ. 6 હજાર, ડિપ્લોમાધારકને રૂ. 8 હજાર અને સ્નાતકને રૂ. 10 હજાર માસિક ભથ્થું અપાશે. ‘મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના' હેઠળ 6 મહિનાની એપ્રેન્ટિસશિપ કરવાની રહેશે. સરકારે આ માટે રૂ. 5500 કરોડ ફાળવ્યા છે.

