સુરતઃ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની લંપટલીલાના બનાવો અવારનવાર બહાર આવી રહ્યા છે, જેને પગલે હરિભક્તોમાં રોષ વધી રહ્યો છે. લોકો આવા લંપટ સાધુઓની જાળમાં ન ફસાય તે માટે હરિભક્તોએ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. સુરતના ત્રણસોથી વધુ હરિભક્તો ગામો, તાલુકાઓ અને શહેરોમાં જઈને લંપટલીલા આચરતા સાધુઓથી સાવચેત રહેવા લોકોને જાગૃત કરાશે. સુરતમાં હરિભક્તોએ ‘વડતાલ સ્વામિનારાયણના લંપટ સાધુઓને હટાવો અને ધર્મ બચાવો’ સહિતનાં લખાણોના પોસ્ટર સાથે દેખાવો કર્યા હતા.
સુરતના પાલનપુર મશાલ સર્કલ પાસે માનવ સમાજ સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના બેનર હેઠળ હરિભક્તોએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં લંપટ સાધુઓ સામે નિશાન તાક્યું હતું. વડતાલ સ્વામિનારાયણના સાધુ-સંતો દ્વારા ગુરુકુળના વિદ્યાર્થીઓ સાથે શારીરિક શોષણના બનાવો બહાર આવ્યા છે. તેમનું બ્રેઇન વોશ કરાયા હોવાની ફરિયાદો થઈ છે.
જ્યારે યુવતીઓને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવાના અને બાદમાં ગર્ભ રહી જતાં ગર્ભપાત કરાવ્યાના બનાવોને પગલે હરિભક્તોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. હરિભક્તોએ હવે આ લંપટ સાધુ-સંતોને હટાવી સંપ્રદાય અને ધર્મ બચાવવા માગણી કરી છે. હરિભક્તોએ બેનરો પર સ્વામીઓનાં નામનો ઉલ્લેખ કરીને આક્રમક લખાણો સાથે દેખાવો કર્યા હતા.

