સાગબારાઃ સેલંબાના પ્રતિષ્ઠિત વેપારી નવનીત શાહના પુત્ર સચિનની માલિકીના ખાનગી ગોડાઉનમાંથી સરકારી સસ્તા અનાજની દુકાનમાં પહોંચાડવાના ઘઉંની 180 બોરી મળી આવી હતી. ગરીબ આદિવાસીઓના હક્કનું અનાજ સગેવગે કરીને ફલોર મિલ સુધી પહોંચાડવાનું મોટું કૌભાંડ રાજકીય આકાઓના આશીર્વાદથી ચાલતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
સેલંબા પાસે આવેલા પાંચ પીપરી ગામ પાસે આવેલા ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવામાં આવતો હોવાની માહિતી મળતાં મામલતદારની ટીમે દરોડો પાડ્યો હતો. સાગબારાના મામલતદારની ટીમને જોઈ ટેમ્પોનો ડ્રાઇવર, ક્લીનર તથા અન્ય હાજર લોકો ફરાર થઈ ગયા હતા. ટીમે ગોડાઉન અને ટેમ્પોમાંથી લગભગ 100 ક્વિન્ટલ સરકારી ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો.

