અમદાવાદઃ ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મેઘાએ તાંડવ મચાવ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા હજુપણ મન મૂકીને વરસ્યા નથી. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે 26 જુલાઈથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં મેઘકહેર
સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યાં હતાં. શુક્રવારે પોરબંદરમાં એકસાથે 25 ઇંચ વરસાદ પડતાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી. જૂનાગઢના ઘેડ પંથકમાં 5થી 7 ફૂટ પાણી ભરાતાં અનેક ગામ સંપર્કવિહોણાં બન્યાં હતાં. શનિવારે દ્વારકામાં પણ એકસાથે 25 ઇંચ વરસાદ પડતાં લોકોન હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દ્વારકાના ઘડેચી ગામે ફસાયેલા 5 લોકોનું એનડીઆરએફએ રેસ્ક્યૂ કર્યું હતું. રાણાવાવ અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘેડ પંથકમાં પણ ઓઝત અને મધુવંતી નદીમાં પૂર આવ્યું હતું.
નખત્રાણાના રસ્તા બન્યા નદી
ભારે વરસાદથી કચ્છના અનેક તાલુકા તરબોળ થયા હતા, જેમાં નખત્રાણાના એક જ અઠવાડિયામાં બે વખત બેહાલ થયું હતું. મંગળવારે પણ નખત્રાણામાં 3 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નગરની બજારોમાં ફરી નદીની માફક ધોધ વહી નીકળતા વેપારીઓ, રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અબડાસા કંકાવટી ડેમ અને માંડવીનું ટોપણસર તળાવ ઓવરફલો થઈ ગયું છે.
દક્ષિણ ગુજરાત પાણી-પાણી
મંગળવારે ખાડીપૂરે સુરતની સૂરત બગાડી નાખી છે. ખાડીપૂરના કારણે વાહનો ડૂબવાની સાથે મંદિરો અને મકાનો પણ પાણીમાં ગરક થઈ જતાં શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ. મંગળવારની રાતને ભયજનક ગણાવતાં તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. સુરતમાં આવેલી ભેદવાડ, સીમાડા, મીઠી, ભાઠેના, કાંકરા ખાડીનું સ્તર 6 મીટરથી વધી જતાં પૂણા-કુંભારિયાથી પર્વત પાટિયા, ભીમરાડ, અલથાણમાં ભારે પાણી ભરાતાં લોકોનાં ઘરમાં પાણી ભરાયાં છે.
ઉત્તર ગુજરાતમાં બફારાની સ્થિતિ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં હજુપણ વરસાદની ઘટ નોંધાઈ છે. હાલની સ્થિતિમાં તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ભારે ભેજના કારણે લોકો ભારે બફારાનો અનુભવ કરી રહ્યા છે.
મધ્ય ગુજરાત પણ હજુ અતૃપ્ત
મધ્ય અને ઉત્તર ગુજરાતને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, ત્યારે 23 જુલાઈની સવારથી વડોદરા શહેર-જિલ્લામાં ધીમીધારે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. કેટલાક પંથકમાં વધુ વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. નોંધનીય છે કે, મધ્ય ગુજરાતમાં હજુ જોઈએ એટલો વરસાદ પડ્યો નથી

