નવી દિલ્હીઃ પીએમ મોદીએ 18મી લોકસભાના પહેલા સત્રના પ્રારંભે મીડિયા સાથે ખુલ્લા મનથી વાત કરી હતી. તેમણે કહ્યું કે, 25મી જૂને ભારતની લોકશાહી પરના કલંકને 50 વર્ષ પૂરાં થાય છે. દેશની નવી પેઢી ક્યારેય નહીં ભૂલે કે ભારતના બંધારણને તે દિવસે નકારવામાં આવ્યું હતું. તેના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. હવે કોઈ આવું નહીં કરી શકે. તે દિવસે દેશને જેલખાનું બનાવવાની સાથે લોકશાહીનો અવાજ રુંધવામાં આવ્યો હતો. મોદીએ આમ કહીને ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી તરફ ઇશારો કર્યો હતો.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે, દેશ ચલાવવા લોકશાહીમાં સર્વસંમતિ જરૂરી અને મહત્ત્વની છે. આજનો દિવસ આપણા માટે ગૌરવશાળી છે. વિકસિત ભારતના સંકલ્પ સાથે 18મી લોકસભાનો પ્રારંભ થઈ રહ્યો છે. વિશ્વની સૌથી મોટી ચૂંટણીને આપણે શાનદાર રીતે પૂરી કરી છે, જેમાં 65 કરોડથી વધુ મતદારોએ ભાગ લીધો હતો.
દેશની જનતાએ સતત ત્રીજી વખત કોઈ સરકારને લોકોની સેવા કરવાની તક આપી છે. અમારા ત્રીજા કાર્યકાળમાં અમે ત્રણ ગણી મહેનત કરીને ત્રણ ગણા પરિણામો હાંસલ કરીશું. આઝાદી પછી નવા સંસદ ભવનમાં લોકસભાની બેઠક મળી રહી છે.
મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં આપણે એક પરંપરાનું પાલન કરવાનો પ્રયાસ કર્યો છે. અમારું માનવું છે કે સરકાર ચલાવવા બહુમત અને સર્વસંમતિ જરૂરી છે. આપણા એવા પ્રયાસ રહેશે કે આપણે મા ભારતીની સેવા કરીએ અને 140 કરોડ લોકોની આકાંક્ષા અને અપેક્ષાઓ સંતોષી શકીએ. સૌથી સંમતિથી અને સૌનો સાથ લઈને આપણે આશા અને અરમાનો પૂરા કરીએ. આપણે બંધારણની પવિત્રતા જાળવીએ.
સારા વિપક્ષની જરૂર
મોદીએ વિપક્ષો પર પ્રહારો કરતા કહ્યું હતું કે વિપક્ષો સાચા અર્થમાં સારા પગલાં લઈને એક સક્ષમ વિપક્ષ પુરવાર થાય તેવી અમને આશા છે. ભારતને એક સારા વિપક્ષની જરૂર છે. લોકોને નારાબાજીમાં રસ નથી. વિપક્ષ પોતાની ભૂમિકા નિભાવીને લોકતંત્રની ગરિમા જાળવશે તેવી આશા છે. વિપક્ષો સંસદમાં અર્થપૂર્ણ ચર્ચા કરે તે જરૂરી છે.
બંધારણ પર આક્રમણ સ્વીકાર્ય નથી: રાહુલ
પીએમના કોંગ્રેસ પર પ્રહારોની સામે રાહુલ ગાંધી, ખડગે તેમજ જયરામ રમેશે પ્રતિઆક્ષેપ કરતાં કહ્યું હતું કે, પીએમ અને અમિત શાહ બંધારણ પર જે આક્રમણ કરે છે તે અમને સ્વીકાર્ય નથી. ખડગેએ કહ્યું કે, બંધારણને બચાવવાના પ્રયાસોમાં લોકો અમારી સાથે છે. મોદીજીએ બંધારણને તોડવાની કોશિશ કરી છે. જયરામ રમેશે કહ્યું કે મોદીએ હંમેશની જેમ પોતાના સંબોધનમાં તમામ મુદ્દાઓને ભટકાવવાનો પ્રયાસ કર્યો છે.

