TRP દુર્ઘટનાને એક મહિનો પૂર્ણઃ ન્યાયની માગ સાથે દેખાવ કરતા પરિવારોની અટકાયત

Wednesday 26th June 2024 05:59 EDT
 
 

રાજકોટઃ રાજકોટ TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડને મંગળવારે એક મહિનો પૂર્ણ થયો, ત્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું. આ બંધના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓ તેમજ સૌરાષ્ટ્રના નેતાઓ જોડાયા હતા. આ બંધના એલાનને મોટાભાગના વેપારીઓએ સમર્થન આપ્યું હતું, જ્યારે એનએસયુઆઇ અને યૂથ કોંગ્રેસ દ્વારા સ્કૂલો બંધ કરાવવામાં આવી હતી.
ટીઆરપી દુર્ઘટનાને એક મહિનો થવા છતાં આરોપીઓ પર પગલાં ન લેવાતાં કોંગ્રેસની સાથે પીડિત પરિવારો રસ્તા પર ઉતરી બેનર દર્શાવ્યાં હતાં, જેની સામે પોલીસે કોંગ્રેસ કાર્યકરો અને પીડિત પરિવારોની અટકાયત કરી હતી.
SIT તપાસમાં 4 ઓથોરિટી જવાબદાર
TRP ગેમિંગ ઝોનના અગ્નિકાંડ પાછળ પોલીસ કમિશનરેટની લાઈસન્સ બ્રાન્ચ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અને ફાયર તેમજ માર્ગ મકાન વિભાગ એમ ચાર ઓથોરિટી પ્રથમ જવાબદાર હોવાનું ખાસ તપાસ દળ- SITએ પોતાના રિપોર્ટમાં નોંધ્યંુ છે, જે સરકારને સોંપી દેવાયો છે. બાદમાં SITના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ ગૃહમંત્રી હર્ષ
સંઘવી સમક્ષ અઢી કલાક સુધી બેઠક યોજીને બ્રીફિંગ કર્યું હતું. આ ઉપરાંત પોલીસે ચીફ ફાયર ઓફિસર ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા સહિત ત્રણની ધરપકડ કરી હતી. આમ અગ્નિકાંડમાં ધરપકડનો આંક 15 થયો હતો.
સંસદમાં મુદો ઉઠાવીશઃ રાહુલ ગાંધી
ટીઆરપી ગેમિંગ ઝોનના મૃતકોના સ્વજનો સાથે રાહુલ ગાંધીએ ઓનલાઇન સંવાદ કરી તેમના દુ:ખ, દર્દ સાંભળી જો તેઓ ઈચ્છશે તો આ મુદો સંસદમાં ઉઠાવવા તૈયારી દર્શાવી હતી. રાહુલ ગાંધીએ આ ઓનલાઈન સંવાદમાં સાથે જોડાયેલા પ્રદેશના નેતાઓને આ મામલામાં પીડિતોને ન્યાય અપાવવા સંપૂર્ણ સાથ આપવા સાથે પીડિતોને કહ્યું કે હું તમારી આ લડાઈમાં સાથે જ છું. ગેમિંગ ઝોનનો મુદો સંસદના સત્રમાં ઉઠાવાશે. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, ગેમિંગ ઝોન ગેરકાયદે હોવા છતાં ધમધમતો હતો, જેમાં અધિકારીઓ- પદાધિકારીઓ સામેલ છે.


comments powered by Disqus