નલિયાઃ કચ્છના દરિયાકિનારા પરથી માદક પદાર્થોનાં બિનવારસી પેકેટ મળવાનો સિલસિલો અવિરત રહ્યો છે, જેમાં શનિવારે સવારે જખૌ મરિન કમાન્ડો અને સ્ટેટ આઇ.બી.ને સિંધોડીના દરિયામાંથી ચરસનાં 10 પેકેટ, શિયાળક્રીકમાંથી એમટીએફ અને સ્ટેટ આઇ.બી.ને ચરસનાં 10 પેકેટ, નારાયણ સરોવર પાસેથી બીએસએફને ચરસનાં 10 પેકેટ અને સુથરી બીચ પરથી ચરસનાં 3 પેકેટ કોઠારા પોલીસને બિનવારસી મળી આવ્યા હતા. પકડાયેલા ચરસનાં 33 પેકેટની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 16.50 કરોડની અંદાજવામાં આવી રહી છે.
કચ્છના સાગરકાંઠે જૂન મહિનાના બીજા સપ્તાહથી નશીલા પદાર્થોની સુનામી આવી હોય તેમ ઠેકઠેકાણેથી ચરસ, એમફેટામાઇન, કોકેઇન સહિતના માદક પદાર્થોનાં અલગ-અલગ પેકેટ સીમાવર્તી ટાપુ અને દરિયાકાંઠેથી બિનવારસી મળી રહ્યા છે, જેના પગલે પોલીસ તેમજ સુરક્ષા-ગુપ્તચર એજન્સીઓ દ્વારા સંબંધિત સંવેદનશીલ કાંઠાળ વિસ્તારો તેમજ ટાપુ પર સઘન પેટ્રોલિંગ હાથ ધરાઈ રહ્યું છે.
આ દરમિયાન બીએસએફને સુગર બેટ પરથી કોકેઇનનાં 19 પેકેટ તેમજ નેવલ ઇન્ટેલિજન્સ, મરિન ટાસ્ક ફોર્સ અને સ્ટેટ આઇબીને અલગ-અલગ વિસ્તારમાંથી ચરસનાં 28 પેકેટ બિનવારસી મળી આવ્યાં હતાં.

