અમદાવાદઃ કચ્છની નવીનાળ ગામની તમામ ગૌચરની જમીન અદાણીને આપી દેવા સામે થયેલી જાહેરહિતની અરજીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારનો ઊધડો લીધો હતો. ગૌચરની જમીન અદાણી પાસેથી લઈને ગામને પરત કરી દેવા સરકારને આડેહાથ હાથ લીધી હતી.
સરકારે એવી રજૂઆત કરી હતી કે, નવીનાળથી 6થી 7 કિલોમીટર દૂર ગૌચરની જમીન આપવા સરકાર તૈયાર છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે સરકારની આ દરખાસ્ત ફગાવી દેતાં એવી ટકોર કરી હતી કે, 170 હેક્ટર ગૌચરની જમીન તમારે પરત આપી દેવી પડે. પશુઓને ચરવા માટે કચ્છ જેવા સૂકા રણપ્રદેશમાં રોજ 6થી 7 કિલોમીટર દૂર બીજા ગામમાં લઈ જઈ શકાય નહીં, આ વ્યવહારિક વાત નથી. તમે સરકાર છો તમારે કલેક્ટરને આદેશ કરવાનો હોય કે જમીન પાછી આપી દે. કલેક્ટર ખોટું કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ એક ચુકાદામાં ઠેરવ્યું છે કે દરેક જિલ્લાનાં તળાવો પુનઃ જીવિત કરો. લોકો માટે રિઝર્વ રાખેલી જમીનને ઔદ્યોગિક હેતુ માટે આપી શકાય નહીં.

