કમળનું પોસ્ટર ઉતારી જવાહર ચાવડા બોલ્યા ‘ભાજપે મારી ઓળખ વટાવી’

Wednesday 26th June 2024 06:00 EDT
 
 

ગાંધીનગરઃ માણાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસથી આવેલા અરવિંદ લાડાણીના વિજય પછી સોરઠ ક્ષેત્ર જૂનાગઢ ભાજપમાં આંતરકલહ સર્જાયો છે. ડિસેમ્બર- 2022માં લાડાણી સામે પરાજિત ભાજપના ઉમેદવાર અને તત્કાલીન કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ શનિવારે મૌન તોડ્યું હતું. ફેસબુક પર તેમણે એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેમણે કમળછાપ પોસ્ટર ઉતારી ભાજપે મારી ઓળખ વટાવીની હૈયાવરાળ ઠાલવી છે. એટલું જ નહીં પોસ્ટર પાછળ મશાલચી યુવાનનું ચિત્ર બતાવી તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પડકારતાં રાજકારણ ગરમાયું છે.
તેમણે કહ્યું કે, મનસુખભાઈ માંડવિયા નમસ્કાર. અહીંના ખેડૂતોનાં બિયારણ, પાકવીમો, ધોવાણના પ્રશ્નો હતા. સૌથી મોટો પ્રશ્ન ડાર્ક ઝોન હતો, જેની સામે મેં 3 વર્ષ મૂવમેન્ટ ચલાવી અને ડાર્ક ઝોન હટાવ્યું હતું. ગરીબો, વંચિતો માટે અભિયાન ચલાવી 75 હજારથી વધુને BPLના લાભ અપાવ્યા. આ મારું કામ હતું અને મારી ઓળખ હતી, જેના પર ભાજપે પોતાની ઓળખ લગાવી દીધી હતી.
ગત સપ્તાહે લાડાણીના અભિવાદન સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જવાહર ચાવડાનું નામ લીધા વગર ‘જે પોતાના નામની પાછળ ભાજપ લગાવી ફરે છે, તેમણે ભાજપ માટે કામ કરવું જોઈએ' એવો કટાક્ષ કર્યો હતો.


comments powered by Disqus