અમદાવાદઃ એક સમયે માત્ર રાજ્યના મહાનગરમાં જોવા મળતું ડ્રગ્સનુ દૂષણ હવે જિલ્લા, તાલુકા, શહેર નહીં પણ સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચી ગયું છે, ત્યારે આ ડ્રગ્સરૂપી મહાદાનવને નાથવા માટે ગૃહવિભાગ અને પોલીસ દ્વારા એન્ટિ ડ્રગ્સ કેમ્પેઇન શરૂ કરાયું છે. આગામી દિવસોમાં રાજ્યના સિનિયર આઇપીએસ અધિકારીઓ અલગ-અલગ જિલ્લાઓ દત્તક લઈને સ્કૂલો, કોલેજ તેમજ સરકારી કાર્યક્રમો કરીને ડ્રગ્સનું સેવન ન કરવા માટે અવેરનેસ કાર્યક્રમો યોજશે.
કાર્યક્રમ દરમિયાન આપવામાં આવેલા આંકડા અનુસાર ગુજરાત પોલીસ, ATS, NCB, કોસ્ટગાર્ડ દ્વારા સાડા ત્રણ વર્ષમાં રૂ. 9680 કરોડના નશીલા પદાર્થો પકડાયા છે. વર્ષ 2024ના 22 જૂન સુધીમાં રાજ્યમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ રૂ. 2.22 અબજનું અને અમદાવાદમાં રૂ. 4.74 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે.
7 પેડલર્સની ધરપકડ
ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 58 પાર્સલમાં મળેલો રૂ. 3.48 કરોડનો 11 કિલો ગાંજો મગાવનારા ગુજરાતના 7 પેડલરને પોલીસે શોધી કાઢ્યા છે. ફોરેન પોસ્ટ ઓફિસથી છેલ્લા 6 મહિનામાં હાઇબ્રીડ ગાંજાના 3 કન્સાઇન્મેન્ટ પકડાયાં હતાં, જેમાં પોલીસે ગાંજાના બંધાણી 150 છોકરા-છોકરીઓનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમણે અમેરિકા, કેનેડા, લંડનથી રમકડાં, લંચ બોક્સ, ચોપડીઓ તેમજ ડાઇપરની આડમાં હાઇબ્રીડ ડ્રગ્સ મગાવ્યું હોવાની માહિતી ક્રાઇમબ્રાન્ચના ડીસીપી અજિત રાજીયનને મળી હતી.
ડ્રગ્સ વેચનારની મિલકતોની હરાજી થશે
ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષમાં 9,679 કરોડનું 87,650 કિલો ડ્રગ્સ પકડાયું છે. રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ રોકવા ગૃહ વિભાગ 'અપ ટુ બોટમ અને બોટમ ટુ અપ' સિસ્ટમથી કામ કરશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે જણાવ્યું હતું કે ડ્રગ્સના નાનામાં નાના કેસમાં પણ ઉપરી અધિકારીઓ ઝીણવટભરી તપાસ કરીને તેના જડમૂળ સુધી પહોંચશે. આટલું જ નહીં ડ્રગ્સના ધંધામાં ખૂબ જ પૈસા હોવાથી આ પૈસાનો ઉપયોગ નાર્કો ટેરરીઝમમાં થતો હોવાથી ડ્રગ્સનો ધંધો કરતા લોકોની મિલકતો ટાંચમાં લઈને તે પૈસા ગુજરાતના લોકોના વિકાસ પાછળ વાપરશે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એન્ટિ ડ્રગ્સ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યુ છે.
સાવધાન... ટીનએજર્સ ચડી રહ્યાા છે ડ્રગ્સની લતે
અમદાવાદ ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલને ક્રાઇમબ્રાન્ચ ઝડપી પાડ્યું છે. આ પાર્સલમાંથી રૂ. 3.84 કરોડનો હાઇબ્રીડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું છે. આ અંગેની તપાસમાં એક ગંભીર અને ચોંકવનારી બાબત સામે આવી છે કે, જે ડ્રગ્સ મગાવાતું હતું તે ધોરણ 10થી 12નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મગાવતા હતા. આ ઘટસ્ફોટ ગાંજાના બંધાણી બાળકોની પૂછપરછમાં થયો છે.

