જેઠ સુદ પૂનમે શામળિયા શેઠને શિશ ઝુકાવવા હજારો ભક્તો ઊમટ્યા

Wednesday 26th June 2024 07:01 EDT
 
 

મોડાસાઃ અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂનમના દિવસે ભગવાન શામળિયા શેઠનાં દર્શનાર્થે દૂરદૂરથી ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. જેઠ માસની પૂનમનો અનેરો મહિમા રહેલો હોવાથી વહેલી સવારે ભક્તોની ભીડ ઊમટી પડી હતી.
તીવ્ર ગરમી અને અસહ્ય બફારામાં પણ શ્રદ્ધાળુઓએ ભગવાન શામળિયાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ નિમિત્તે શામળાજી પોલીસે મંદિર પરિસર અને બજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ભગવાન શામળિયાનો શણગાર જોઈ ભક્તો ધન્ય બન્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા કૂલર્સ ગોઠવવામાં આવતાં ભક્તોએ હાશકારો અનુભવ્યો હતો.
પૂનમ નિમિત્તે શામળિયાને કારીગરો દ્વારા તૈયાર કરાવેલા ખાસ મલમલના વાઘા પહેરાવવામાં આવ્યા હતા, તેમજ સોનાનાં આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાન વિષ્ણુને શંખ, ચક્ર, ગદા અને ગળામાં સોનાની માળાથી સુશોભિત કરાયા હતા, તો ભક્તોએ પણ હરખઘેલા બની શામળિયાની શણગાર આરતીનો લાભ લીધો હતો. સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી હજારો ભક્તો શામળિયાનાં દર્શન કરી ધન્ય બન્યા છે.


comments powered by Disqus