સુરતઃ પીએમ નરેન્દ્ર મોદીએ ખુલ્લા મૂકેલા ડાયમંડ બુર્સને શરૂ થવામાં ફાંફાં પડી રહ્યાં છે, ત્યારે 7 જૂલાઈથી સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા તાકીદની બેઠક મળી હતી, જેમાં જુલાઈથી ઓફિસ શરૂ કરવા 250 વેપારીએ કન્ફર્મેશન આપ્યું હતું. અત્યાર સુધીમાં 1050 વેપારીએ ઓફિસમાં ફર્નિચર કરવાની મંજૂરી માગી છે, જેમાંથી 450 ઓફિસનું કામ શરૂ થઈ ગયું છે. બુર્સને કસ્ટમની તમામ પરવાનગી મળી ગયાનો દાવો કરાયો છે.
બુર્સના વાઇસ ચેરમેન લાલજી પટેલે કહ્યું કે, વધારેમાં વધારે ઓફિસ શરૂ થાય તેવું કમિટીનું આયોજન છે. આગામી જુલાઈ મહિનામાં મોટા પ્રમાણમાં ઓફિસ શરૂ થશે. હાલના તબક્કે 250 ઓફિસ શરૂ થાય તેવો અંદાજ છે. આ ઉપરાંત કસ્ટમ હાઉસની પરવાનગી પણ આવી ગઈ છે. જુલાઈ મહિનામાં વધારેમાં વધારે ઓફિસ શરૂ થાય તેવું સુરત ડાયમંડ બુર્સ કમિટીનું આયોજન છે. 1 જુલાઈએ કસ્ટમ શરૂ થાય તે માટે તમામ પરવાનગી મેળવી લેવાઈ છે. એક્સપોર્ટ કરવાની પ્રેક્ટિસ પણ શરૂ કરી દેવાઈ છે, જેથી 7 જુલાઈથી જે ઓફિસ શરૂ થશે તેઓ બુર્સના કસ્ટમ હાઉસમાંથી જ એક્સપોર્ટ કરી શકશે. સુરત-મુંબઈ વચ્ચે હાલ ફ્લાઇટ નથી, જેથી બુર્સ કમિટીએ આ દિશામાં પણ પ્રયાસ શરૂ કર્યા છે.

