નડાબેટ ખાતે મુખ્યમંત્રી, અમદાવાદમાં અમિત શાહની યોગદિવસની ઉજવણી

Wednesday 26th June 2024 06:00 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યકક્ષાના વિશ્વ યોગદિવસની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, બીએસએફના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તો અમિત શાહે અમદાવાદમાં ઉજવણી કરી હતી
યોગ ઋષિમુનિઓએ આપેલી અમૂલ્ય ભેટ
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજના યુગમાં તણાવમુક્ત અને સરળ જીવનશૈલી માટે યોગ ઉત્તમ છે. યોગ પ્રાચીન ભારતના ઋષિમુનિઓએ આપેલી અમૂલ્ય ભેટ છે. આશરે પાંચ હજાર વર્ષ પહેલાં પતંજલિ ઋષિએ યોગશાસ્ત્રનું સર્જન કર્યું હતું. ત્યારથી યોગની પરંપરા ચાલી આવે છે.
મુખ્યમંત્રીનો લોકસંવાદ
યોગદિવસની ઉજવણી નિમિત્તે નડાબેટ પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામડા ગામ ખાતે નાગરિકો સાથે લોકસંવાદ કરી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. લોકોએ અહીં જમીન રિસરવે, પાણી, રસ્તા, શિક્ષણ અને સિંચાઈ જેવા મુદ્દા રજૂ કર્યા હતા. મુખ્યમંત્રીએ તેનું નિરાકરણ લાવવા વાયદો આપ્યો હતો.
અમિત શાહના અમદાવાદમાં યોગ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સિંધુ ભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડનમાં યોજાનારા યોગ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. જે બાદ અમિત શાહે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.
સુરતમાં સી.આર. પાટીલના યોગ
સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસ નિમિત્તે સુરતના અલગ-અલગ 62 સ્થળે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પણ સુરતમાં યોગ કરી ઉજવણી કરી હતી, જે નિમિત્તે વડીલો, બાળકો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. અહીં સી.આર. પાટીલે વિવિધ આસનો કરી યુવાનોમાં દાખલો બેસાડ્યો હતો.


comments powered by Disqus