પિતા બન્યા બાદ લગ્નની ડુંગરી ગરાસિયા આદિવાસીઓની અનોખી પરંપરા

Wednesday 26th June 2024 07:01 EDT
 
 

અમદાવાદઃ લગ્નવિધિ કરતાં લગ્નસંબંધનું મહત્ત્વ ધરાવતા અંબાજીના ડુંગરી ગરાસિયા આદિવાસીઓમાં યુવક પહેલાં પિતા બને છે અને પછી લગ્ન કરે છે. ગુજરાતની આદિવાસી સંસ્કૃતિમાં અવનવા રીત-રિવાજો અને પરંપરાઓ જોવા મળે છે, પરંતુ ખાસ કરીને અંબાજીથી લઈને ખેડબ્રહ્માના આદિવાસી પટ્ટામાં આજેપણ વર-કન્યા એક બીજાને પસંદ કર્યા પછી પરિવારની સ્વીકૃતિથી સાથે રહે છે અને સંતાનોને જન્મ પણ આપે છે અને જ્યારે તેમને અનુકૂળતા લાગે ત્યારે નિરાંતે લગ્નપ્રસંગ થકી વિધિવત્ લગ્ન કરે છે.
ડુંગરી આદિવાસીઓમાં સદીઓથી પરંપરા છે કે તેઓ લગ્નવિધિ કરતાં મનમેળાવની વિધિને વધુ મહત્ત્વ આપે છે. અહીં લગ્નમાં સંતાન સાથે હોય એવાં દૃશ્યો પણ જોઈ શકાય છે. હમણાં જ અંબાજી ખાતે લગભગ એકસોને વીસ જોડાંએ પ્રભુતામાં પગલાં માંડ્યાં, ત્યારે ત્યાંના સ્થાનિક નેતાએ જણાવ્યું હતું કે, લીવ ઇન રિલેશનનો ખ્યાલ આદિવાસી સંસ્કૃતિએ સદીઓ પહેલાં વિશ્વને આપેલો છે.
આ અંગે સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની જણાવે છે કે, સાચા અર્થમાં મેરેજની સંસ્થા જ આદિવાસી સંસ્કૃતિએ ઊભી કરી છે. આપણાં મુખ્યપ્રવાહમાં સ્ત્રી-પુરુષના સંબંધોને જોવાનો દૃષ્ટિકોણ જુદો છે. આદિવાસી સમાજ સ્ત્રી-પુરુષોના સંબંધોમાં ઘણો મુક્ત છે. આપણી મુખ્ય ધારામાં ઘણાં નિયંત્રણો છે અને પુરુષને ઘણી મુક્તિ છે. આદિવાસીઓમાં સ્ત્રી-પુરુષોના સંબંધો ઘણા ખુલ્લા છે. આપણે લગ્નકરારમાં માનીએ છીએ, પરંતુ આદિવાસી સમાજ લગ્નસંબંધમાં માને છે.


comments powered by Disqus