રાજકોટ: બાળકો સહિત 27 વ્યક્તિનો ભોગ લેનારા ગેમઝોનના અગ્નિકાંડ અંગે સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં પકડાયેલા એકમાત્ર મોટું માથું ગણાતા મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાએ ભ્રષ્ટ રીત અપનાવી વસાવેલી રૂ. 10.55 કરોડની અપ્રમાણસર મિલકતો એસીબીએ શોધી કાઢી છે. જો કે એસીબીએ આ મિલકતોની કિંમત દસ્તાવેજ મુજબ ગણી છે. અન્યથા બજાર કિંમત મુજબ આ મિલકતોની કિંમત અનેકગણી વધુ છે. તપાસમાં સાગઠિયા અને તેના પરિવારના નામે 13 મિલકતો અને 6 વાહન મળ્યાં છે, જેમાં બે પેટ્રોલપંપ, ફાર્મહાઉસ, બંગલા, ફલેટનો સમાવેશ થાય| છે. એસીબીએ સાગઠિયા અને તેના પરિવારની જે મિલકતો જાહેર કરી છે તેમાં સોખડા ગામે પેટ્રોલપંપ અને 3 ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉનનો પણ સમાવેશ થાય છે.

